Ahmedabad Schools Bomb Threat: છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ અને મેસેજ મળ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. આજે પણ અમદાવાદ શહેરની 10 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. વેજલપુર સ્થિત ઝાયડસ સહિતની સ્કૂલોને મળેલી ધમકીના પગલે બોમ્બ સ્ક્વોર્ડ, પોલીસની અલગ-અલગ ટીમો સ્કૂલોએ પહોંચી છે અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ધમકીના પગલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાતં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ ધમકીભર્યા ઇમેઇલમાં ઉલ્લેખ હોવાનું હાલ જાણવા મળ્યું છે.
કઇ સ્કૂલોને મળી ધમકી
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, સેટેલાઇટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડી SGVP સ્કૂલ, સંત કબીર સ્કૂલ,એશિયા સ્કૂલ, ડ્રાઇવ ઇન રોડ સહિતની 10 જેટલી સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીના પગલે સ્કૂલના વહિવટી તંત્ર દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસની વિવિધ ટીમો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ગાડીઓ પણ સ્કૂલો તરફ રવાના થઇ છે.
સાવચેતીના ભાગરૂપે શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છેકે વિદ્યાર્થીઓને વહેલા છોડવામાં આવી રહ્યાં છે. સ્કૂલો તરફથી વિદ્યાર્થીઓને વહેલી છોડી દેવામાં આવ્યા હોવાના મેસેજ મળતાં જ વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ સ્કૂલે પહોંચ્યા છે.
સમગ્ર મામલે ડીઇઓ રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા માટે તમામ સ્કૂલોને સૂચના આપી દેવામાં આવી છે. સ્કૂલમાં કોઇપણ પ્રકારનું પેનિક કે અફરા-તફરી ન સર્જાય એ પ્રકારે વિદ્યાર્થીઓને બહાર કાઢીને વાલીઓને સોંપવામાં આવે તેવા નિર્દેશો આપવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની પણ ધમકી
અમદાવાદમાં 10 જેટલી સ્કૂલો ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે પોલીસની ટીમ સ્ટેડિયમ ખાતે પહોંચી છે અને સ્ટેડિયમમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ થવાનો છે.
