Ahmedabad railway project: અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે રેલ કનેક્ટિવિટી વધારે મજબૂત બનાવવાના પ્રયાસોમાં મોટી સફળતા સાંપડી છે. બારેજડી-નંદેજ (ગેરતપુર)થી સાણંદ વચ્ચે 38.20 કિમી લાંબી ચોથી રેલ્વે લાઈન નાખવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં નડતો સૌથી મોટો કાનૂની અવરોધ દૂર થયો છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે દસક્રોઈ તાલુકાના વિશાલપુર ગામની આશરે 52 એકર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે.
સ્થાનિકોની તમામ વાંધા અરજી નામંજૂર
આ રેલ્વે પ્રોજેક્ટ માટે અગાઉ જમીન સંપાદન કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેની સામે સ્થાનિક સ્તરેથી કુલ 26 વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ વાંધા અંગે સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સત્તાધિકારીએ તમામ 26 રજૂઆતોની કાયદાકીય ચકાસણી અને ઊંડાણપૂર્વક વિચારણા કર્યા બાદ તમામને નામંજૂર કર્યો હતો.
સત્તાધિકારીએ અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો
સક્ષમ સત્તાધિકારીએ પોતાનો અહેવાલ સંપૂર્ણ તપાસ બાદ કેન્દ્ર સરકારને સુપરત કર્યો હતો. રેલ્વે મંત્રાલય દ્વારા 6 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા અને 9 નવેમ્બર 2026ના રોજ ભારતના સત્તાવાર ગેજેટમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામા પ્રમાણે જમીન સંપાદન પર અંતિમ મહોર મારવામાં આવી છે.
બારેજડી-સાણંદ ચોથી રેલવે લાઈન કેમ મહત્વની છે?
કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે અધિનિયમ 1989ની કલમ 20 (ઈ) હેઠળ આ જમીન સંપાદિત કરવાની જાહેરાત કરી છે. જેમાં દસ્ક્રોઈ તાલુકાના વિશાલપુર ગામની 2,11,282 ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે, જાહેરનામા પ્રમાણે, ગેઝેટમાં પ્રસિદ્ધ થતાંની સાથે જ નિર્ધારિત સૂચિમાં દર્શાવેલી આ જમીન તમામ બોજાઓમાંથી મુક્ત થઈને કાયદેસર રીતે કેન્દ્ર સરકારને હસ્તક થઈ ગઈ છે.
બારેજડી-ગેરતપુરથી સાણંદ સુધીનો રૂટ અમદાવાદના ઔદ્યોગિક કોરિડોર અને મુસાફર ટ્રાફિક બંને દ્રષ્ટિએ અત્યંત વ્યસ્ત છે. 38.20 કિમીની આ ચોથી રેલવે લાઈન તૈયાર થવાથી ગુડ્સ ટ્રેનો અને પેસેન્જર ટ્રેનોની અવરજવર વધુ ઝડપી બનશે, જેનાથી અમદાવાદ અને સાણંદના ઔદ્યોગિક વિકાસને મોટો વેગ મળશે.
