સાણંદ: 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ અંગે મોટા ખુલાસા; ત્રણ લોકો સામે FIR

મૃતકે સુસાઈડમાં પ્રેમીની પત્ની સહિત ત્રણ લોકો પર ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 03 Sep 2026 09:15 AM (IST)Updated: Thu, 03 Sep 2026 09:15 AM (IST)
ahmedabad-sanand-lj-college-student-urvashi-parmar-commits-suicide-police-fir
Sanand Student Commits Suicide

Sanand Student Commits Suicide: અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેતી અને એલ. જે. કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની ઉર્વશી પરમારે પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થિનીના ખિસ્સામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી, જેમાં તેણે પ્રેમીની પત્ની સહિત ત્રણ લોકો પર ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પોતાના જ રૂમમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, 19 વર્ષીય મૃતક યુવતી ઉર્વશી પરમાર સાણંદની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે એલ. જે. કોલેજમાં બેચલર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી હતી. સવારના સમયે પિતા મોહનભાઈએ ઉર્વશીને કોલેજ જવા માટે જગાડ્યા બાદ તે ફ્રેશ થવા માટે મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં ગઈ હતી. જોકે, લાંબા સમય સુધી તે નીચે ન આવતાં પરિવારજનોએ ઉપર જઈને તપાસ કરતા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.

ઘણી બૂમાબૂમ કરવા છતાં અંદરથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા પરિવારજનોએ બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોતા ઉર્વશી સિલિંગ પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. પરિવારજનોએ તાત્કાલિક દુપટ્ટો કાપીને તેને નીચે ઉતારી અને 108 એમ્બ્યુલન્સ મારફતે સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ અંગે ગંભીર ખુલાસા

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને મેજિસ્ટ્રેટ દ્વારા ઈન્કવેસ્ટ પંચનામુ કરવા દરમિયાન મૃતક ઉર્વશીના કપડાના ખિસ્સામાંથી તેના હસ્તાક્ષરવાળી એક સુસાઈડ નોટ મળી આવી હતા. જેમાં ઉર્વશીએ લખ્યું હતું કે:, "હું ફક્તને ફક્ત ચીની ગોહેલ, બુધા ભુવા, પાયલ ગોહેલના કારણે જ મરું છું... ચીનીને આજીવનની જેલ જવી થવી જોઈએ. તમારી પ્રિય ઉર્વશી." 

પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ મુજબ, ઉર્વશીને સાણંદના વણકરવાસમાં રહેતા મેહુલ ગોહેલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અદાવત રાખીને ગત 29 ઓગસ્ટના રોજ મેહુલની પત્ની ચીની ગોહેલ, મેહુલની બહેન પાયલ ગોહેલ અને મેહુલના પિતા બુધાભાઈ ભુવા ગોહેલ ઉર્વશીના ઘરે આવ્યા અને સંબંધ નહીં રાખવા બાબતે ઉગ્ર ધમકીઓ આપી હતી.

ત્રાસ આપ્યો, માફી મંગાવી, અપમાનિત પણ કરી

ધમકી આપ્યા બાદ પણ આરોપીઓ શાંત ન બેઠા. બીજા જ દિવસ 30 ઓગસ્ટે ત્રણેય ફરી આવ્યા અને સામાજિક આબરૂનો ડર બતાવી, માનસિક દબાણ ઊભું કરીને ઉર્વશી પાસે બળજબરીપૂર્વક માફી મંગાવી હતી. આ સતત માનસિક દબાણ, ત્રાસ અને જાહેરમાં થયેલા અપમાનના કારણે 19 વર્ષીય ઉર્વશી ભારે માનસિક તણાવમાં હતી. અંતે તેણે જીવન ટૂંકાવી લેવાનું આત્યંતિક પગલું ભરી લીધું હતું. હાલમાં પોલીસે પિતા મોહનભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.