Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં ફરી એક વાર દીપડાનો આંતક સામે આવ્યો છે. જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ નજીકના રોડ પાસે દીપડાના પંજા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાના પંજા દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગે પોતાની કામગીરી શરુ કરી છે.
મોટી દેવતી ગામે દીપડાના પંજાના નિશાન
આ પણ વાંચો
દીપડાના પંજા મળ્યા હોવાની ઘટના અંગે સાણંદ વન વિભાગના આરએફઓ હરેશ દેસાઈએ જણાવેલી વિગતોને આધારે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ પાસે 15 સપ્ટેમ્બરના રોજ દીપડો દેખાયો હોવાની જાણકારી મળી હતી. આ માહિતીને આધારે વન વિભાગે સતર્કતા દાખવતા તપાસ કામગીરી શરુ કરી હતી.
ઇંટના ભઠ્ઠા નજીક કૂતરાનો શિકાર કર્યો
મોટી દેવતી ગામ ખાતે જંગલ વિસ્તારમાં આવેલા ઇંટના ભઠ્ઠા પાસે દિપડાએ એક કૂતરાનો શિકાર કર્યો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. દીપડાના પંજાના નિશાન દેખાતા તે આસપાસના વિસ્તારોમાં હોવાની સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દીપડાના પંજાની માહિતી મળતા વન વિભાગે કાર્યવાહી શરુ કરી છે. દીપડો હોવાની શક્યતાના આધારે તેને પકડી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા
મોટી દેવતી ગામે અગાઉ પણ એકવાર દીપડાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા હતા. હાલ દીપડો મોટી દેવતીની આસપાસ હોઈ શકે તેવી શક્યતા વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દીપડો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ભારે ભય અને ડર જોવા મળી રહ્યો છે.
