Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2036ની ઓલિમ્પિક ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત કરવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે. શેલા રિંગ રોડ પાસે ટીપી નંબર 204માં 2 લાખ ચોરસ મીટરથી વધારે વિશાળ જમીન પર ઈન્ટરનેશનલ લેવલનું નવું ઓલિમ્પિક સ્ટેડિયમ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
શેલા સ્ટેડિયમ આધુનિક સુવિધાથી સજ્જ હશે
શહેરના નારણપુરા વિસ્તારમાં 65 હજાર ચોરસ મીટરમાં બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સની સરખામણીએ શેલાનું નવું સ્ટેડિયમ 3 ગણું મોટું હશે. આ આધુનિક સ્ટેડિયમમાં વૈશ્વિક કક્ષાની સુવિધાઓ અને ઓલિમ્પિક કક્ષાની વિવિધ રમતો માટે સ્પેશિયલ એેરેનાનું નિર્માણ કરાશે.
સ્ટેડિયમ નિર્માણના મહત્વના તબક્કા
શેલામાં આધુનિક સ્ટેડિયમના નિર્માણ માટે ત્રણ મહત્વના તબક્કા છે, જેમાં પહેલા તબક્કે આ જમીન માટે સરકારે ડ્રાફ્ટ ટીપી બહાર પાડી દીધી છે અને ટૂંક સમયમાં જ ફાઈનલ ટીપી બહાર બહાર પડાશે. બીજા તબક્કામાં મનપાની એસ્ટેટ શાખા જમીનનો કબજો મેળવશે. તે બાદ તેને એન્જિનિયરિંગ વિભાગને સોંપાશે. જમીન સર્વેની કામગીરી પૂરી કર્યા બાદ જમીનને સુરક્ષા પૂરી પડાશે.
