અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટનો વ્યાપ વધશે, ફેઝ-3માં ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી વિકાસ; જાણો નાગરિકોને શું મળશે

ડિસેમ્બર 2027 સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 5.5 કિમીનો નવો રસ્તો ઉમેરાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 29 Sep 2026 10:23 AM (IST)Updated: Tue, 29 Sep 2026 10:23 AM (IST)
ahmedabad-sabarmati-riverfront-phase-3-indira-bridge-narmada-canal-development
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ

Ahmedabad Sabarmati Riverfront Phase 3: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્દિરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી રિવરફ્રન્ટ ફેઝ-3 ની કામગીરી અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંદાજે ₹1,000 કરોડના ખર્ચે વાસણાથી ઈન્દિરા બ્રિજ અને નર્મદા કેનાલ સુધી કાયાપલટ થશે અને અંતર 2 કિલોમીટર ઘટી જશે.

સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિમી થશે

સાબરમતી નદીના વિકાસ અને વિસ્તાર અંગેની મુખ્ય વિગતો અનુસાર સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે હાલમાં કુલ 23 કિમી લાંબો રિવરફ્રન્ટ કાર્યરત છે. ફેઝ-2 અંતર્ગત શાહીબાગ ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધી બંને તરફ 5.5 - 5.5 કિમી મળીને કુલ 11 કિમી લાંબા રિવરફ્રન્ટની કામગીરી અંદાજિત 13 મહિનામાં પૂર્ણ કરી ડિસેમ્બર 2027 થી લોકો માટે ખોલી દેવામાં આવશે.

ડિસેમ્બર 2027થી 5.5 કિમીનો નવો રસ્તો ઉમેરાતા રિવરફ્રન્ટની બંને બાજુની કુલ લંબાઈ વધીને 34 કિમી થશે. ફેઝ-3 ના ભાગરૂપે ઇન્દિરા બ્રિજથી ગાંધીનગરમાં આવેલી નર્મદા મેઈન કેનાલ સુધીની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય ડિસેમ્બર 2028 રાખવામાં આવ્યું છે. આ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ₹1,000 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.

વાહનચાલકોના સમય અને અંતરમાં મોટો ઘટાડો

નવા રસ્તા અને પ્રોજેક્ટના કારણે વાહનચાલકોને મુસાફરીમાં મોટો ફાયદો થશે. હાલમાં ઇન્દિરા બ્રિજ પાસે દીવાલ અને રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ: 50 કિમીની ગતિથી વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ સુધી 16 કિમી લાંબો રસ્તો કાપતા વાહનચાલકોને અંદાજે 20 મિનિટનો સમય લાગશે. હાલમાં આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરીને આ રૂટ પર જતા ચાલકોએ 18.5 કિમીનું અંતર કાપતા 50 મિનિટ સુધીનો સમય લાગે છે.

વાસણા બેરેજથી નર્મદા મેઈન કેનાલ: 50 કિમીની ઝડપે વાસણા બેરેજથી નર્મદા મેઇન કેનાલ સુધીનો 21 કિમીનો અંતર કાપતા હવે માત્ર 25 થી 27 મિનિટનો સમય લાગશે. હાલમાં રિવરફ્રન્ટનો ઉપયોગ કરીને અંદરના રસ્તા પરથી આ રૂટ પર જતાં 24 કિમીનું અંતર કાપવું પડે છે.

નાગરિકો માટે આધુનિક સુવિધાઓ અને હરિયાળી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિકાસમાં પર્યાવરણ અને જાહેર સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફેઝ-1 માં સૌથી પહેલાં લોઅર પ્રોમિનાડ અને રસ્તાનું કામ પૂર્ણ કરીને ખુલ્લો મુકાયો હતો. ફેઝ-2 અને ફેઝ-3 માં મોટાભાગની સુવિધા એકસમાન રહેશે, જેમાં લોઅર પ્રોમિનાડ, વોક-વે, રસ્તો, ચિલ્ડ્રન પાર્ક એરિયા, ઇકોલોજિકલ ઝોન, આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર, ગાર્ડન અને ફૂડ પ્લાઝા સહિતની નવી સુવિધા વિકસાવાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-1 ની સરખામણીએ ફેઝ-2 અને ફેઝ-3 ના પ્રોજેક્ટમાં હરિયાળી બેથી ત્રણ ગણી વધુ જોવા મળે તેવું આયોજન કરવામાં આવશે. આ સાથે અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદી કાંઠાના વિસ્તારમાં ખાસ ગીચ જંગલ ઊભું થાય તે રીતે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.