Ahmedabad News: અન્ય રાજ્યોની 21 કાર પરમિટ વગર ટેક્સી તરીકે દોડતી પકડાઈ, RTO એ કરી લાલ આંખ

અમદાવાદ RTO એ એરપોર્ટ પર સ્પેશિયલ ડ્રાઈવ યોજી ગેરકાયદે દોડતી 22 કાર અને 10 બાઈક ટેક્સી જપ્ત કરી. પરમિટ વિના કોમર્શિયલ રાઈડ આપતા વાહનચાલકોને રૂ. 3.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 12:18 PM (IST)Updated: Fri, 30 Oct 2026 12:18 PM (IST)
ahmedabad-rto-action-22-cars-10-bike-taxis-seized-airport

Ahmedabad News: અમદાવાદ શહેરમાં નિયમો વિરુદ્ધ અને પરમિટ વિના દોડતી ગેરકાયદેસર ટેક્સીઓ સામે અમદાવાદ આરટીઓ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરાઈ છે. આરટીઓ ઈન્સ્પેક્ટર પોતે સામાન્ય ગ્રાહક બનીને ઓનલાઈન રાઈડ બુક કરી હતી અને એરપોર્ટ પર સ્પેશિયલ ડ્રાઈવ યોજીને 10 બાઈક ટેક્સી અને 22 કાર ટેક્સીઓ જપ્ત કરી લીધી છે. આ તમામ વાહનો પરમિટ વગર અને સફેદ નંબર પ્લેટ પર કોમર્શિયલ રાઈડ ની સેવા આપતા હતા.

રુ.3.5 લાખનો દંડ ફટકારાયો

આરટીઓની તપાસમાં સામે આવ્યું છે કે, જપ્ત કરાયેલી 22 પૈકીની 21 કાર રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોના રજિસ્ટ્રેશન ધરાવતી હતી. આ વાહનો પાસે ગુજરાતમાં ચલાવવાની સ્પેશિયલ ઓલ ઇન્ડિયા પરમિટ કે સ્ટેટ પરમિટ ન હોવા છતાં, ઓનલાઈન ટેક્સી એપ્લિકેશન મારફતે પેસેન્જર ટ્રાન્સપોર્ટ કરવામાં આવતુ હતું. આરટીઓએ આ કાર્યવાહી હેઠળ રુ.સાડા ત્રણ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. જ્યારે બાઈક ટેક્સી છોડાવવા માટે ડ્રાઈવરોને રુ.10 હજારનો દંડ ભરવાનો રહેશે.

કેવી રીતે પકડાયા પરમિટ વિનાના વાહનો

અમદાવાદમાં દોડી રહેલી ગેરકાયદેસર ટેક્સીઓને ઝડપી લેવા માટે આરટીઓ અધિકારીઓએ ખાસ પ્લાનને અમલી બનાવ્યો હતો. જેમાં આરટીઓ ઈન્સ્પેક્ટર પોતે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રાઈડ બુક કરી હતી. ડ્રાઈવર પેસેન્જરને પિકઅપ કરવા આવ્યો કે તુરંત તેને સ્થળ પર જ દંડ ફટકારી વાહન ડિટેઈન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ બહાર સફેદ નંબર પ્લેટવાળી ગાડીઓ જેમાં ડેશબોર્ડ પર મોબાઈલ હોલ્ડર લાગેલા હતા. જે ટેક્સીની લાઈનમાં ઉભી હતી. તેને ઓળખ કરીને પરમિટ ચેક કરવામાં આી હતી.