AMC બેઠક: દિવાળી પર મીઠાઈ વેપારીઓ માટે કીટ ફરજિયાત, કાંકરિયામાં નવા આકર્ષણો અને પાણી બગાડ પર લાલ આંખ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો. રૂ. 5 લાખથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ માટે રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત અને સાબરમતી બ્રિજ પર રોશની અંગેની વિગતો જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 29 Oct 2026 11:53 PM (IST)Updated: Thu, 29 Oct 2026 11:53 PM (IST)
ahmedabad-amc-meeting-diwali-food-safety-kankaria-upgrades

AMC Meeting: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવાર, તા. 29 ઓક્ટોબર, 2026ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર આરોગ્ય, પાણીના વ્યવસ્થાપન, સલામતી અને તહેવારો દરમિયાન કરવામાં આવનાર રોશની સહિતના મુદ્દાઓ પર અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.

માવા-મિઠાઈમાં ભેળસેળ રોકવા 'રેપિડ ટેસ્ટિંગ કીટ' ફરજિયાત

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AMC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં માવાના નામે બિનખાદ્ય પદાર્થોનું વેચાણ થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, રૂ. 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા મીઠાઈ, માવા અને ફરસાણ બનાવતા વેપારીઓ માટે રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવી ફરજિયાત કરવામાં આવી છે. આશરે રૂ. 3,000ની કિંમતની આ કીટ દ્વારા ગ્રાહકો પણ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરીની પ્રાથમિક ચકાસણી કરી શકશે. અત્યાર સુધીમાં અંદાજે 350 લોકોએ આ કીટ અપનાવી છે.

પાણીના બગાડ અને ગેરકાયદે જોડાણો સામે સખ્ત કાર્યવાહી

શહેરમાં પાણીનો બિનજરૂરી બગાડ અટકાવવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કાર વોશિંગ સેન્ટરો, પીજી આવાસો અને લોજીંગ-બોર્ડિંગ જેવા વધુ પાણી વપરાશ કરતા એકમોમાં તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન ગેરકાયદેસર પાણીનાં જોડાણો મળી આવશે, તો નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી કરી તે જોડાણો કાપી નાખવા માટે સંબંધિત વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.

એસટીપી પ્લાન્ટ દુર્ઘટના: કોન્ટ્રાક્ટરની સાથે અધિકારીઓની પણ જવાબદારી નક્કી થશે

છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં એસટીપી પ્લાન્ટ સહિત થયેલી બે દુઃખદ દુર્ઘટનાઓ અંગે ચેરમેનશ્રીએ ગંભીર નોંધ લીધી છે. વેલ્ડિંગ કે અન્ય કામગીરી દરમિયાન જરૂરી સલામતીનાં ધોરણોનું પાલન થયું છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. આ મામલે માત્ર કોન્ટ્રાક્ટરને દંડિત કરવાને બદલે સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓની ભૂલી અને બેદરકારીની પણ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

બાળકો માટે ખુશખબર: કાંકરિયા કિડ્સ સિટીમાં ઉમેરાશે નવા આકર્ષણો

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આવેલા કિડ્સ સિટીના આધુનિકીકરણ અને અપગ્રેડેશનને મંજૂરી આપવામાં આવી છે. બાળકોના મનોરંજન અને જ્ઞાનમાં વધારો કરવા માટે અહીં ચોકલેટ ફેક્ટરી, સ્પેસ એક્સપ્લોરેશન સેન્ટર, “ખેલો ઇન્ડિયા” સ્પોર્ટ્સ એકેડેમી, રિન્યુએબલ એનર્જી ટેક સેન્ટર, એરોડાયનેમિક્સ એન્ડ ફ્લાઇટ સાયન્સ લેબ અને ડ્રોન લેબ સેન્ટર જેવા અત્યાધુનિક આકર્ષણો ઉમેરવામાં આવશે.

દિવાળી પર વીજ બચત: માત્ર 7 જગ્યાએ જ થશે વિશેષ રોશની

આ વર્ષે વીજળીના વપરાશમાં બચત કરવાના હેતુસર AMC દ્વારા જાહેર રોશનીમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અનેક સ્થળોએ રોશની થતી હતી, પરંતુ આ વર્ષે ધનતેરસથી લાભ પાંચમ સુધી માત્ર સાબરમતી નદીના છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી માતા મંદિર સહિત કુલ સાત સ્થળોએ જ રોશની કરવામાં આવશે. રોશનીનો સમય પણ સાંજે 7 થી સવારે 7 ને બદલે ઘટાડીને સાંજે 7 થી રાત્રે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે; જોકે, દિવાળી અને બેસતા વર્ષની રાત્રે આખી રાત રોશની ચાલુ રહેશે.