Ahmedabad Crime News: અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે 10.11 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. કુલ 20.220 કિગ્રા ગાંજાનો જથ્થો લઈને રાજકોટ ડિલીવરી કરવા જતાં યુવકને વટવા પોલીસે ઝડપ્યો અને તેની પાસેથી ગાંજાના જથ્થાને કબ્જે કર્યો હતો. તેમજ તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ, પોલીસે રોપડા ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્રના નાઝીમ અહમદ શાહને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે રહેલા બેગની તપાસ કરતાં 10 જેટલા ગાંજાના પેક મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આશરે 10.11 લાખની કિંમતનો 20,220 કિગ્રા ગાંજાનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે આરોપીની પૂછપરછ કરી
પોલીસે આરોપીને ઝડપી લઈને કડક પુછપરછ કરી હતી જેમાં સામે આવ્યું કે, એક વર્ષ પહેલા યુવક સુરતની એક કંપનીમાં નોકરી કરતો હતો. તે અરસામાં યુવકની મુલાકાત શુભમ પરમાર અને હિરેન સાથે થઈ હતી. પૈસાની તંગીનો સામનો કરી રહેલા નાઝીમે એકવાર આરોપી શુભમ પાસે નાણાકીય સહાય માગી હતી. યુવકની લાચારીનો ગેરલાભ ઉઠાવીને આરોપીઓએ તેને ગાંજાની હેરફેર કરવાનું જણાવ્યું હતું.
કમિશનની લાલચે યુવક ઓડિસા ગયો
શુભમે નાઝિમને જણાવ્યું કે, જો તે ગાંજાની હેરાફેરી કરશે તો તેના બદલામાં 10 હજાર રુપિયા આપશે. રુપિયાની લાલચમાં આવી ગયેલા નાઝીમે શુભમના કહેવાથી ઓડિસામાં ભુવનેશ્વર ગયો હતો. ત્યાંથી યુવકને કેટલાક શખ્સોએ ગાંજો ભરેલી બેગ આપી હતી. આરોપી નાઝીમ પોલીસ તપાસથી બચવા માટે અલગ અલગ બસ બદલીને અમદાવાદ આવી ગયો હતો.
આરોપી સામે વટવા પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદથી નાઝીમને ગાંજાના જથ્થા સાથે રાજકોટ જવાનું હતું અને ગાંજાનો જથ્થો શુભમને સોંપવાનો હતો. જોકે, આરોપી યુવક રાજકોટ જતો રહે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. વટવા પોલીસે આ મામલે આરોપી યુવક સામે ગુનો નોંધીને અન્ય આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
