અમદાવાદમાં વરસાદી માહોલ: 7 દિવસમાં 26.8 ઈંચ વરસાદ ખાબક્યો, 168 વિસ્તારોમાં પાણી ભરાયા; BRTS-AMTSના 52 રૂટ અસરગ્રસ્ત થયા

અમદાવાદમાં 7 દિવસમાં 26.8 ઈંચ વરસાદ નોંધાયો. 168 વિસ્તારોમાં પાણી ભરાયા અને BRTS-AMTSના 52 રૂટ અસરગ્રસ્ત થયા. જાણો વરસાદી સ્થિતિ અને આંકડા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 08:53 AM (IST)Updated: Sat, 19 Sep 2026 08:53 AM (IST)
ahmedabad-rain-rain-168-areas-waterlogged-brts-amts-52-routes-affected
AI generated image

Ahmedabad Rain News: અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન ચૌંકાવનારા વરસાદી આંકડા સામે આવ્યા છે. 90 દિવસના સમયગાળામાં કુલ 24 દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં કુલ 34.74 ઇંચ વરસાદ નોંધાઈ ચૂકયો છે. શહેર માટે મોસમનો સરેરાશ જરૂરી વરસાદ 35 ઇંચ માનવામાં આવે છે. જેની સામે અત્યાર સુધીમાં 99 ટકા જેટલો વરસાદ શહેરમાં ખાબકી ચૂક્યો છે. આ ચોમાસાની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે, સીઝનનો મોટા ભાગનો વરસાદ એટલે કે, 77 ટકા વરસાદ (26.8 ઇંચ માત્ર સાત દિવસમાં જ નોંધાયો છે.

પાણી નિકાલ વ્યવસ્થામાં ખામીઓ

વરસાદને પગલે પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં મોટી ખામી સામે આવી હતી. જેમાં રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજથી સરદાર બ્રિજની વચ્ચે આવેલા 10 વરસાદી નાળાંની યોગ્ય સફાઈ ન કરવામાં આવેલી હોવાથી બ્લોક થઈ ગયા હતા. જેના લીધે નદીમાં પાણીનો યોગ્યપણે નીકાલ થઈ શક્યો નહોતો. આ ગંભીર મુદ્દો સંકલન બેઠકમાં સ્થાનિક ધારાસભ્યે રજૂ કર્યો હતો.

વરસાદી સ્થિતિને લીધે વાહનવ્યવહાર અસરગ્રસ્ત

શહેરમાં જળબંબાકારની સ્થિતિને લીધે જાહેર પરિવહન પર ગંભીર અસર પડી હતી. પાણી ભરાવા અને અંડરપાસ બંધ થવાના કારણે બીઆરટીએસના 5 રુટ સંપૂર્ણ પણે બંધ કરવા પડ્યા હતા અને 6 રુટના રસ્તા બદલવામાં આવ્યા હતા. આ ઉપરાંત એએમટીએસની બસ સેવાના પણ 6 રુટ બંધ રહ્યા હતા. અને 41 રુટમાં ફેરફાર કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વાસણા બેરેજના 14 ગેટ ખોલીને નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી.

શુક્રવારે 168 વિસ્તારમાં પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં શુક્રવારે સવારે 8થી 9 વાગ્યા સુધીમાં ખાબકેલા વરસાદને લીધે પાલડી, રાણીપ, ગોતા, જશોદાનગર, ચાંદખેડા, વાસણા સહિતના 168 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કુલ 78 ઝાડ પડી ગયા હોવાની ફરિયાદો અમદાવાદ મહાનગરપાલિકામાં નોંધાઈ હતી. જ્યારે ઝોનવાઈઝ પાણી ભરાવાની સમસ્યાની વાત કરીએ તો, ઉત્તર ઝોનના 24, ઉ.પ. ઝોનના 26, પૂર્વ ઝોનના 39, દ.પ.ઝોનના 23 વિસ્તારો, પશ્ચિમ ઝોનના 35 વિસ્તારો, મધ્ય ઝોનના 6, દક્ષિણ ઝોનના 15 વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં શુક્રવારે નોંધાયેલ આંકડા

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, સરખેજ અર્બન હેલ્થ વિસ્તારમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બાકરોલમાં 4.41 ઈંચ, નવરંગપુરામાં 4.37 ઈંચ, વાસણા અને મક્તમપુરામાં 4.25 ઈંચ તેમજ સરખેજમાં 3.92 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય કાલુપુર, ટાગોર કંટ્રોલ, લાંભા, મેમનગર, ચાંદલોડિયા, દુધેશ્વર, આસારવા, ગોતા અને ઉસ્માનપુરા જેવા તમામ પ્રમુખ વિસ્તારોમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.