Ahmedabad Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સપ્ટેમ્બર 2026 દરમિયાન માલવહન, પરિચાલન કાર્યક્ષમતા, ઇન્ટરચેન્જ, લાંબા અંતરની હૉલ ટ્રેનો, મુસાફર ટ્રેન સંચાલન તેમજ અન્ય પરિચાલન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર કામગીરી નોંધાવી છે. સપ્ટેમ્બર 2026માં અમદાવાદ મંડળ દ્વારા સરેરાશ 3,126.93 વેગન દરરોજ લોડ કરવામાં આવ્યા હતા, જે સપ્ટેમ્બર 2025ના દરરોજના 3,084 વેગનની સરખામણીમાં 1.39% વધુ છે.આ સમયગાળા દરમિયાન કુલ 4.559 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું, જે અગાઉના વર્ષના 4.526 મિલિયન ટનની સરખામણીમાં 0.73% વધુ છે. સપ્ટેમ્બર 2026માં માલવહનથી મળેલી આવક ₹636.18 કરોડ રહી, જે સપ્ટેમ્બર 2025ની ₹595.16 કરોડની સરખામણીમાં આશરે 7% વધુ છે.
માલવહનમાં મુખ્ય કોમોડિટીઝના લોડિંગમાં વૃદ્ધિ
સપ્ટેમ્બર 2026 દરમિયાન વિવિધ પ્રમુખ કોમોડિટીઝના લોડિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી. કોલસાનું સરેરાશ દૈનિક લોડિંગ 76.97 વેગન રહ્યું, જે ગત વર્ષના 62.06 વેગન પ્રતિદિનની સરખામણીએ 24.02% વધુ છે. ખાતરની લોડિંગ 698.23 વેગન પ્રતિદિન રહી, જેમાં 61.19%ની વૃદ્ધિ નોંધાઈ હતી.મીઠું અને ઔદ્યોગિક મીઠાની લોડિંગ 304.03 વેગન પ્રતિદિન રહી, જે 7.97% વધુ છે, જ્યારે ઓટોમોબાઇલ લોડિંગ 117.37 વેગન પ્રતિદિન રહી, જેમાં 5.03%ની વૃદ્ધિ નોંધાઈ હતી. અન્ય કોમોડિટીઝનું લોડિંગ પણ 47.77% વધીને 136.20 વેગન પ્રતિદિન રહ્યું હતું.
લૉંગ હૉલ ટ્રેનોના સંચાલનમાં નોંધપાત્ર વૃદ્ધિ
અમદાવાદ મંડળ દ્વારા સપ્ટેમ્બર 2026માં કુલ 118 લૉંગ હૉલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જ્યારે સપ્ટેમ્બર 2025માં 78 લૉંગ હૉલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ રીતે લૉંગ હૉલ ટ્રેનોના સંચાલનમાં 51.28%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર 2026 દરમિયાન ગાંધીધામ વિસ્તારમાં કુલ 95 લૉંગ હૉલ ટ્રેનોનું ગઠન કરવામાં આવ્યું હતું.
એક જ દિવસમાં 90 રેક લોડિંગનું મહત્વપૂર્ણ પ્રદર્શન
30 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2026-27માં એક જ દિવસમાં 90 રેક/3,899 વેગન લોડિંગનો સર્વોચ્ચ આંકડો નોંધાવ્યો હતો. તેમાં અમદાવાદ વિસ્તારમાંથી 27 રેક/1,110 વેગન અને ગાંધીધામ વિસ્તારમાંથી 63 રેક/2,789 વેગનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, 25 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદ વિસ્તારમાં એક જ દિવસમાં 30 રેક/1,139 વેગનનું લોડિંગ નોંધાયું હતું.
નવા વ્યવસાયિક તકો દ્વારા વધારાની આવક
સપ્ટેમ્બર 2026માં શિવલખા ખાતે આવેલા GCT (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) પરથી પ્રથમ વખત મે. કેએમટી એન્જીનિયરીંગ પ્રા.લી. દ્વારા કન્ટેનર રેકના માધ્યમથી મિરજ માટે લોડિંગ કરવામાં આવ્યું હતું. 8 સપ્ટેમ્બર 2026ના રોજ સંચાલિત આ રેક દ્વારા ₹32.32 લાખની વધારાની આવક પ્રાપ્ત થઈ હતી.આ ઉપરાંત, 23 સપ્ટેમ્બર 2026ના રોજ સામાખ્યાલીમાં સીએમએસ કિયોસ્ક કાર્યરત કરવામાં આવ્યું હતું.
પરિચાલન ગતિ અને કાર્યક્ષમતામાં સુધારો
સપ્ટેમ્બર 2026 દરમિયાન યાર્ડિંગ અને સ્ટેબલિંગ સહિત માલગાડીની સરેરાશ ગતિ 14.93 કિમી પ્રતિ કલાક રહી, જે ગત વર્ષના 13.18 કિમી પ્રતિ કલાકની સરખામણીએ 13.28% વધુ છે. આ જ સમયગાળા દરમિયાન ક્રેક ટ્રેનોની સંખ્યા વધીને 1,717 થઈ હતી, જે સપ્ટેમ્બર 2025ની 1,689 ટ્રેનોની સરખામણીએ 1.66% વધુ છે.
સમયપાલન અને મુસાફર સેવાઓમાં સુધારો
સપ્ટેમ્બર 2026 દરમિયાન મેલ/એક્સપ્રેસ ટ્રેનોનું સમયપાલન 96.58% રહ્યું, જે સપ્ટેમ્બર 2025ના 93.78%ની સરખામણીએ 2.80% વધુ છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ 6,397 કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે ગત વર્ષમાં સંચાલિત 6,029 ટ્રેનોની સરખામણીએ 6.10% વધુ છે.મુસાફરોની સુવિધા માટે વિવિધ ટ્રેનોમાં 429 વધારાના કોચ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં કુલ 22 ઈન્ડેન્ટેડ VPs લગાવવામાં આવ્યા હતા.
ઇન્ટરચેન્જ અને DFC સંચાલનમાં વૃદ્ધિ
સપ્ટેમ્બર 2026 દરમિયાન અમદાવાદ મંડળનું કુલ સરેરાશ ઇન્ટરચેન્જ 226.10 ટ્રેન પ્રતિદિન રહ્યું, જે સપ્ટેમ્બર 2025ના 216.87 ટ્રેન પ્રતિદિનની સરખામણીએ 9.23% વધુ છે. DFC પોઈન્ટ્સ પર સરેરાશ ઇન્ટરચેન્જ 103.14 ટ્રેન પ્રતિદિન રહ્યું, જે ગત વર્ષના 94.46 ટ્રેન પ્રતિદિનની સરખામણીએ 9.19% વધુ છે.
ભારતીય રેલવેની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો શુભારંભ
સપ્ટેમ્બર 2026 દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેન, જે ડીઝલ-LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ પર આધારિત છે, તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.
અમદાવાદ મંડળ દ્વારા સપ્ટેમ્બર 2026માં માલ પરિવહન અને પરિચાલન ક્ષેત્રે નોંધાયેલી આ સિદ્ધિઓ વધુ સારી પરિચાલન કાર્યક્ષમતા, માલ પરિવહનને પ્રોત્સાહન, નવી વ્યવસાયિક તકોના વિકાસ તેમજ મુસાફર અને માલ સેવાઓની ગુણવત્તામાં સતત સુધારા પ્રત્યે મંડળની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
