હવે પાર્સલ અને ટપાલ ઝડપથી પહોંચશે: અમદાવાદમાં બે નવા પોસ્ટલ ડિવિઝનને મંજૂરી

અમદાવાદમાં ટપાલ અને પાર્સલ સેવા ઝડપી બનાવવા પોસ્ટ વિભાગના 2 ભાગ કરાયા. 1 નવેમ્બરથી 'હેરિટેજ સિટી' અને 'ઉત્કર્ષ' ડિવિઝન થશે કાર્યરત

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 08:19 AM (IST)Updated: Fri, 23 Oct 2026 08:19 AM (IST)
ahmedabad-postal-division-split-heritage-city-utkarsh-division-india-post

Ahmedabad Postal Division: અમદાવાદમાં ટપાલ અને પાર્સલની કામગીરીને વધારે વ્યવસ્થિત, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ભારતીય ટપાલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. પોસ્ટ વિભાગ દ્વારા અમદાવાદ સિટી ડિવિઝનનું વિભાજન કરીને અમદાવાદ હેરિટેજ સિટી ડિવિઝન અને ગાંધીનગર ડિવિઝનનું વિભાજન કરીને અમદાવાદ ઉત્કર્ષ ડિવિઝન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને નવા વહીવટી ડિવિઝન 1 નવેમ્બર 2026થી સત્તાવાર રીતે કાર્યરત થઈ જશે. આ પૈકી અમદાવાદ હેરિટેજ સિટી ડિવિઝનનું મુખ્ય અમદાવાદ જીપીઓ બિલ્ડીંગ ખાતે રાખવામાં આવ્યું છે.

3.50 લાખ પાર્સલનું કામકાજ સરળ

અમદાવાદ શહેરની 100 જેટલી ડિલિવરી પોસ્ટ ઓફિસોમાંથી દૈનિક અંદાજે 2થી 2.50 લાખ સાધારણ અને સ્પીડ પોસ્ટ ટપાલ અને 1 લાખથી વધુ પાર્સલ મોકલવામાં આવે છે. દરરોડ આશરે 3.50 લાખ ટપાલ પાર્સલના વિશાળ નેટવર્કને પહોંચી વળવા અને સંભાળવા માટે બે નવા ડિવિઝનની રચનાથી પોસ્ટલ ડિપાર્ટમેન્ટને મોટો વહીવટી ટેકો મળશે.

પાર્સલ સંબંધી સમસ્યાનો ઉકેલ

ડિવિઝનનું કદ નાનું થવાથી ચોક્કસ વિસ્તાર પર વહીવટી દેખરેખ વધુ મજબૂત બનશે, જેનાથી ટપાલના સોર્ટિંગ અને ડિલિવરીમાં થતો વિલંબ નોંધપાત્ર રીતે ઘટશે. ડિલિવરી ગુમ થવી, મોડી પહોંચવી કે લોકેશન સંબંધી ગ્રાહકોની ફરિયાદો પર હવે સ્થાનિક સ્તરના ડિવિઝનલ અધિકારીઓ ત્વરિત ધ્યાન આપી શકશે. હાલમાં વધી રહેલા ઈ-કોમર્સ ઓર્ડર્સ, સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર્ડ પોસ્ટનું રિયલ ટાઈમ ટ્રેકિંગ તથા ડિલિવરી મેનેજમેન્ટ પહેલાં કરતાં વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે.