Ahmedabad Navratri Women Safety: નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સુરક્ષાની મહત્ત્વની જવાબદારી નિભાવતી અમદાવાદ પોલીસની 'શી ટીમે' એક અનોખી પહેલ કરી છે. મહિલા ક્રાઈમ PI અને તેમની ટીમે અમદાવાદના સરખેજ ખાતે AC ડોમમાં આયોજીત ગરબામાં ટ્રેડિશનલ કપડાં પહેરીને હાજરી આપી અને સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી.
ગરબા આયોજનમાં સુરક્ષા નિરીક્ષણ કર્યું
મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે સરખેજના AC ડોમમાં આયોજિત ગરબામાં એન્ટ્રી લીધી હતી. પહેલાં તેમણે આખા ડોમ વિસ્તારમાં એક કલાક જેટલા સમય સુધી ફરીને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સર્વેલન્સ રૂમમાં જઈને તેમણે એક-એક CCTV કેમેરા તથા સુરક્ષા બંદોબસ્તની ચકાસણી કરી હતી.
ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમીને વોચ રાખી
CCTV તપાસ્યા પછી મહિલા ક્રાઈમ PI પોતાની આખી ટીમ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ તેમણે આજુબાજુમાં હાજર અને ગરબે રમતા યુવકો પર બાજ નજર રાખી હતી. ટીમે રોમિયોગીરી કરતા તત્ત્વો, મહિલાઓની છેડતી કરનારા કે પછી ખાનગી વીડિયો ઉતારતા શખ્સો પર ખાસ વોચ રાખી હતી. આ દરમિયાન એક શખ્સ વીડિયો ઉતારતો જોવા મળતા તેનો મોબાઈલ સ્થળ પર જ ચેક કરવામાં આવ્યો હતો. જોકે, યુવક પોતાના જ ગ્રુપનો વીડિયો ઉતારતો હોવાનું સામે આવ્યું હતું.
પશ્ચિમ વિસ્તારમાં 8 શી ટીમો તહેનાત રહેશે
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ. જી. હાઈવેને અડીને એસ. પી. રિંગ રોડ સુધી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટી પ્લોટ, એસી ડોમ, ક્લબ અને શેરી ગરબાના સ્થળે તપાસ માટે 8 જેટલી શી ટીમો પહોંચી હતી. આ કામગીરી અંતર્ગત મહિલા ક્રાઈમના PI પણ પોતાની ટીમ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા અને તપાસ અર્થે પહોંચ્યા હતા.
રાત્રે 8 વાગ્યાથી ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી...
પોલીસના જણાવ્યા અનુસાર, નવરાત્રિના તમામ દિવસો દરમિયાન અલગ-અલગ ટીમો રાત્રે 8 વાગ્યાથી લઈને ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ ગરબા સ્થળોએ સતત તહેનાત રહેશે. આ દરમિયાન ફિલ્ડમાં રહીને શી-ટીમ એ વાતનું ખાસ ધ્યાન રાખશે કે જો કોઈ રોમિયોગીરી કરતો શખ્સ નજરે પડે કે પછી કોઈ મહિલાને મદદની જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી શકાય.
