Nirma University Student Protest: અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે બની રહેલા નવા બિલ્ડિંગમાં શ્રમિક દ્વારા કરાયેલી બીભત્સ હરકતોનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. નિરમા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાના બદલે હોસ્ટેલ પર લીલી નેટ લગાવી દેવાતા અને વિદ્યાર્થીઓ સામે જ ટિપ્પણી કરાતા 1,000 થી વધુ વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરી પ્લેકાર્ડ સાથે કેમ્પસમાં એકઠા થયા છે, અને 'બ્લેક ડે' ઉજવી ભારે વિરોધ નોંધાવ્યો છે.
સોશિયલ મીડિયા કેમ્પેઈન અને 'બ્લેક ડે' ઉજવાયો
વિદ્યાર્થીઓ નિરમા યુનિવર્સિટી સામે સીધો વિરોધ ન કરી શકતા હોવાથી તેમણે સોશિયલ મીડિયા કેમ્પેઈન તરફ વળવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઈન્સ્ટાગ્રામ પર ખાસ પેજ બનાવીને અન્ય લોકોને પણ આ મુદ્દે જોડાવા અપીલ કરી હતી. ગઈકાલે સોશિયલ મીડિયામાં ગુરુવારે 'બ્લેક ડે' ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.આ આહવાનના ભાગરૂપે આજે 1 ઓક્ટોબર, ગુરુવારના રોજ 1,000 થી વધુ યુવક-યુવતીઓ કાળા કપડાં પહેરીને 'બ્લેક ડે' ઉજવી રહ્યા છે. નિરમા યુનિવર્સિટી સામે એકઠા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ હાથમાં પ્લેકાર્ડ સાથે કેમ્પસમાં એકઠા થઈ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી વિરોધ નોંધાવી રહ્યા છે.
ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ સામે બીભત્સ હરકતો
અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટી છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વિવાદમાં આવી રહી છે. ઘટનાની વિગત અનુસાર, નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓની સામે જ નવા બની રહેલા H-5 બ્લોકમાં કામ કરી રહેલા એક શ્રમિકે બીભત્સ હરકતો કરી હતી. આ ઘટનાનો વીડિયો પુરાવા તરીકે લઈને વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરવા પહોંચી, ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓનેતેમના કપડાં વિશે કહેવામાં આવ્યું હતું.
કાર્યવાહી કરવાને બદલે ગર્લ્સ હોસ્ટેલ પર નેટ લગાવી
આરોપી શ્રમિક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાને બદલે કોલેજ પ્રશાસન દ્વારા ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવી દેવામાં આવી હતી. નિરમા યુનિવર્સિટીમાં જો કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરે તો તેની જ સામે કડક પગલાં લેવાય તેવા ડરથી ખુલ્લેઆમ કોઈ વિદ્યાર્થી સીધા સામે આવી રહ્યા નહોતા.
