Nirma University Controversy: અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટીમાં બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. એક ઈવેન્ટમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેની માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણ દેખાય છે કે, પ્રોફેસર વિદ્યાર્થીનો કોલર પકડીને ધમકાવે છે.
તમને જણાવી દઈએ કે, આ વિવાદ નિરમા યુનિવર્સિટી દ્વારા આયોજિત ત્રણ દિવસીય ટેકનિકલ અને સાંસ્કૃતિક મહોત્સવ 'Technofra 2026' દરમિયાન થયો હતો. આ કાર્યક્રમ 18થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 800થી વધુ લોકોએ હાજરી આપી હતી.
વિદ્યાર્થી બોલ્યો- 'અરે જલ્દી કર સુભહ પનવેલ નીકલના હૈ'
કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્ટેન્ડપ કોમેડિયન રજત સૂદનો શો ચાલી રહ્યો હતો. ત્યારે સ્ટેજ પર એક પ્રોફેસર હાજર હતા. આ પ્રોફેસર સ્ટેજ પર બોલવા જઈ રહ્યા હતા. ત્યારે થોડો વિલંબ થયો. એટલામાં જ દર્શકોની વચ્ચે બેસેલા એક વિદ્યાર્થીએ બોલિવુડની ફિલ્મ 'ગોલમાલ 3'નો ફેમસ ડાયલોગની રમૂજી અંદાજમાં બૂમ પાડી હતી. કે, 'અરે જલ્દી બોલ સુભહ પનવેલ નિકલના હૈ.'
પ્રોફેસર થયા ગુસ્સાથી રાતાચોળ
વિદ્યાર્થીની આ ટિપ્પણી સ્ટેજ પર રહેલા પ્રોફેસરને પસંદ ન આવી અને તેઓ ગુસ્સે થઈ ગયા હતા. . મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રોફેસરની ઓળખ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. હિમાંશુ કે. પટેલ તરીકે થઈ છે.
રોષે ભરાયેલા પ્રોફેસરે તરત જ વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો. વિદ્યાર્થી જેવો સ્ટેજ પર આવ્યો કે, તરત જ પ્રોફેસરે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં તેનો કોલર પકડી લીધો. વધુમાં, તેમણે વિદ્યાર્થીને ધમકાવતા કડક શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે; તેમણે ચેતવણી આપી કે, જે દિવસે તે નિરમા યુનિવર્સિટીના કોઈ ફેકલ્ટી સભ્યનું અપમાન કરવાની હિંમત કરશે, તે દિવસે તેને કાયમી ધોરણે હાંકી કાઢવામાં આવશે
NSUI દ્વારા માફીની માંગ
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ, કેટલાક લોકો માને છે કે, વિદ્યાર્થી દ્વારા શિક્ષક પ્રત્યે આવી ભાષાનો ઉપયોગ કરવો અયોગ્ય છે.
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડવાની અને જાહેરમાં ધમકાવવાની ઘટનાની સખત નિંદા કરી છે. NSUIએ પ્રોફેસર પાસે જાહેર માફી અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ યુનિવર્સિટી કેમ્પસમાં મોટો વિરોધ પ્રદર્શન કરશે.
યુનિવર્સિટી વહીવટીતંત્રએ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, જ્યારે સમાચાર સંસ્થા PTIએ આ ઘટના અંગે યુનિવર્સિટી વહીવટીતંત્રનો સંપર્ક કર્યો, ત્યારે તેમનો જવાબ સ્પષ્ટતા ટાળનારો હતો. યુનિવર્સિટીના એક એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે આવી કોઈ ઘટના બની હોવાની જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.
હાલમાં યુનિવર્સિટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ વાયરલ થયેલા વીડિયોએ કેમ્પસની સુરક્ષા અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સંબંધો અંગે ચોક્કસપણે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
