Ahmedabad: નિકોલમાં જવેલર્સની દુકાનમાં 1.66 કરોડના દાગીના ચોરનારી સેલ્સ ગર્લ ઝડપાઈ, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં જવેલર્સની દુકાનમાંથી 1.66 કરોડના દાગીનાની ચોરી કરનાર સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 18 May 2026 04:12 PM (IST)Updated: Mon, 18 May 2026 04:27 PM (IST)
ahmedabad-nikol-jewellery-theft-sales-girl-harshida-shetty-arrested

Ahmedabad News: અમદાવાદના નિકોલમાં જવેલર્સની દુકાનમાં કામ કરતી સેલ્સ ગર્લે કરોડોના દાગીનાની ચોરી કરી હતી. ચોરીના સીસીટીવીમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે, સેલ્સ ગર્લ ચોરી કરી રહી છે. જે બાદ સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી ફરાર થઈ ગઈ હતી. જેને ઝડપી લેવા માટે નિકોલ પોલીસે કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેલ્સ ગર્લને ઝડપી લેવામાં સફળ રહી છે.

સેલ્સ ગર્લ કરોડોના દાગીના લઈને ફરાર થઇ

મળતી વિગતો મુજબ, નિકોલમાં જવેલર્સની દુકાનમાંથી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ કુલ 1.66 કરોડના દાગીના ચોરીને નાસી ગઈ હતી. જેને શોધી કાઢવા માટે પોલીસ ઘણી મથામણ કરી રહી હતી. ઘણા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદા શેટ્ટીને પકડી લીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, દાગીના ચોરી કરીને યુવતી પોતાના પ્રેમી સાથે દિલ્હી અને ઋષિકેશ ફરતી હતી. તેનો પ્રેમી અમદાવાદમાં જ પ્રિન્ટિંગ મશીનનું કામ કરે છે.

પોલીસ તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસે સેલ્સ ગર્લને ઝડપીને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ સમગ્ર ઘટનામાં સેલ્સ ગર્લ હર્ષિદાનો પ્રેમી સંડોવાયેલો છે. નિકોલ પોલીસે યુવતીના પ્રેમીને પણ ઉઠાવી લઈને સઘન કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જાણકારી મુજબ, આરોપીઓએ યોજનાબદ્ધ રીતે દાગીના સગેવગે કર્યા હોવાની આશંકા છે. હાલ પોલીસે ચોરી કરેલા દાગીના પાછા મેળવવાની તજવીજ હાથ ધરી છે.

હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી

પોલીસે તપાસમાં જાણ્યું કે, સેલ્સ ગર્લ અને તેના પ્રેમીએ દાગીના ચોરી કરીને અલગ અલગ જગ્યાએ છુપાવી દેવાનો પ્રયાસ કર્યો. જેથી શંકાની સોઈ તેમના પર ન આવે. પરંતુ માલિકને દુકાનના હિસાબમાં ગરબડ જણાાતા શંકા ગઈ. માલિકે તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી. હાલ પોલીસે યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે, તેમજ આ કાવતરામાં અન્ય કોઈ સંડોવાયેલું તો નથી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.