Ahmedabad Nikol Fire News: અમદાવાદ શહેરમાં નવા વર્ષની વહેલી સવારથી જ નિકોલ વિસ્તારમાં આગની ઘટના બનતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નિકોલ વિસ્તારમાં લાગેલા સીઝનલ અને ફટાકડા માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળતાં 8થી વધારે સ્ટોલ્સ બળીને ખાખ થઈ ગયા હતા. ફટાકડાના સ્ટોલ્સમાં આગ લાગતા રોકેટ ઉડી ઉડીને રોડ પર ફેલાઈ ગયા હતા. જેના લીધે વહેલી સવારે રસ્તા પરથી નીકળી રહેલા વાહનચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
ક્યારે બની આગની ઘટના
મળતી વિગત પ્રમાણે, નિકોલમાં શુક ચાર રસ્તા તરફ જવાના રોડ પાસે ઉમા સ્કૂલની સામે સીઝનલ માર્કેટ લગાવવામાં આવ્યું હતું. અહીં ફટાકડા સહિત ડ્રાયફ્રૂટ, ફળ, ચપલ સહિતની ચીજવસ્તુઓ રાખેલ હતી. જ્યારે મંડપની આગળની બાજુએ ફટાકડાની નાની લારીઓ અને સ્ટોલ લઈને ફેરિયાઓ ઉભેલા હતા. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક સ્ટોલમાં આગ લાગી હતી. જોતજોતાંમાં આગે ખૂબ જ ભયાનક અને વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. જ્યાં બાકીના સ્ટોલમાં પણ આગ ફેલાઈ હતી.
ત્રણ ફાયર સ્ટેશનની ટીમે આગ કાબૂમાં લીધી
આગ ફટાકડાના સ્ટોલ સુધી પહોંચતાં જ સ્થિતિ વધુ વિકટ બની હતી. ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને રોકેટ તેમજ સ્કાય શોટ જેવા ફટાકડા ઉડીને આખા રોડ ઉપર અને સામેના ભાગે આવેલી દુકાનો સુધી પહોંચી ગયા હતા. રોડ ઉપર વહેલી સવારે પસાર થતા વાહનચાલકો અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નિકોલ, નરોડા અને ગોમતીપુર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવા પાછળનું કારણ?
નિકોલ વિસ્તારમાં લાગેલી આગને પગલે ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત પ્રમાણે, આગ લાગવા પાછળનું હજુ કોઈ કારણ સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
