Ahmedabad: સરખેજમાં ઝેપ્ટોના ડિલિવરી બૉયની દાદાગીરી, રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા સિક્યુરિટી ગાર્ડને બેરહેમીથી ફટકાર્યો

તોફાની ટોળાથી બચવા છુપાયેલા સિક્યુરિટી ગાર્ડને બીજા માળેથી ઢસડીને મારતા-મારતા નીચે લાવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 11:26 PM (IST)Updated: Sat, 08 Nov 2025 11:26 PM (IST)
ahmedabad-news-zepto-delivery-boy-fight-with-flat-security-guard-at-sarkhej
HIGHLIGHTS
  • ડિલિવરી બૉયે બહારથી સાગરિતોને બોલાવી ફ્લેટ માથે લીધો
  • ફ્લેટના બેરિકેટ અને ખુરશીઓ તોડી નાંખી, રહીશો ભયભીત

Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ અયમન 52 ફ્લેટમાં ડિલિવરી બૉયની દાદાગિરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા ડિલિવરી બોયે તેમની સાથે ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, પોતાના સાગરિતોને બોલાવીને ધમાલ મચાવતા આખરે પોલીસ દોડતી થઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સરખેજના અયમન ફ્લેટમાં ઝેપ્ટોનો ડિલિવરી બોય ડિલિવરી માટે આવ્યો હતો. આ સમયે સોસાયટીના ગેટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પોતાની ફરજના ભાગરુપે એન્ટ્રી કરવાનું કહ્યું હતુ. જો કે ડિલિવરી બોય સીધો અંદર ઘૂસી ગયો હતો.

થોડીવાર બાદ ડિલિવરી બૉય પરત ફર્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેને આંતર્યો અને કહ્યું કે, બે મિનિટમાં એન્ટ્રી કરીને કેમ ના ગયો? આથી ડિલિવરી બોય ઉશ્કેરાઈ ગયો અને સિક્યુરિટી ગાર્ડ સાથે ગાળાગાળી કરવા લાગ્યો. આ દરમિયાન ઉશ્કેરાઈને ડિલિવરી બોયે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી.

આટલેથી ના અટકતા ડિલિવરી બોય બહાર ગયો અને થોડીવારમાં ટોળું લઈને ફરીથી ફ્લેટમાં ઘુસી ગયો. જે બાદ સિક્યુરિટી ગાર્ડને બીજા માળેથી ઢસડીને મારતા-મારતા નીચે લઈને આવ્યા. ડિલિવરી બૉય સાથે આવેલા ટોળાએ ફ્લેટના બેરિકેટ અને ખુરશીઓ તોડી નાંખી હતી.

આ ઘટનાના પગલે ફ્લેટના રહીશો ભયભીત થઈ ગયા હતા. જેમણે પોલીસને જાણ કરતાં ટોળું ફરાર થઈ ગયું હતુ. જે બાદ સિક્યુરિટી ગાર્ડને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો સિક્યુરિટી ગાર્ડની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ગુનો દાખલ કરીને ડિલિવરી બોય અને તેના સાગરિતોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.