Ahmedabad News: અમદાવાદના વાસણાામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. યુવક ઉંઘી રહ્યો હતો ત્યારે અજાણ્યો શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થતાં યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ સમયે મૃતકની બહેન જાગી જતા હુમલાખોર ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, વાસણાા વિસ્તારમાં ભરવાડવાસ આવેલો છે જ્યાં રહેતો 23 વર્ષીય હિતેશ મેઘવાલ 23 માર્ચની રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘરની બહાર સૂતો હતો. એ સમયે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કરવા લાગ્યો હતો. હિતેશ અને અજાણ્યા શખ્સ વચ્ચે મારામારી થતાં નજીકમાં સૂઇ રહેલી તેની બહેન જ્યોતિ જાગી ગઇ હતી. અજાણ્યા શખ્સે જ્યોતિના હાજરીમાં જ હિતેશ સાથે મારામારી કરી હતી.
મારામારીને જોઇને જ્યોતિએ અજાણ્યા શખ્સને પૂછ્યું હતું કે તું શા માટે મારા ભાઇને મારી રહ્યો છે, જેથી એ શખ્સ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ હિતેશ ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો હતો અને તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ જોઇને જ્યોતિ ગભરાઈ ગઇ હતી અને તેણે બૂમાબૂમ કરી મુકી હતી. જેથી પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડીને આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ હિતેશને હોસ્પિટલ લઇ જવા માટે 108ને ફોન કરવામાં આવ્યો હતો.
સ્થળ પર પહોંચેલી 108ની ટીમના ડોક્ટરે હિતેશને ચકાસ્યો હતો અને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાસણાા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં વાસણાા પોલીસ પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પરિવારના સભ્યોના નિવેદનો લેવામાં આવ્યા છે અને તેના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
