Ahmedabad: અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલા દર્દી સાથે છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવતીએ હોસ્પિટલના જ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
યુવતી અર્ધબેભાન હતી, ત્યારે કર્મચારી શરીર પર હાથ ફેરવવા લાગ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભોગ બનનાર યુવતીના પતિ સાથે અણબનાવના કારણે છેલ્લા કેટલાક દિવસથી પોતાના પિયરમાં રહેતી હતી. પતિ સાથે ચાલી રહેલા વિવાદના કારણે મનમાં લાગી આવતા યુવતીએ ઊંઘની વધુ પડતી દવા લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો કે યુવતીની તબિયત લથડતા તાત્કાલિક તેને સારવાર અર્થે સાબરમતીની મેટીસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા યુવતીની ICUમાં સારવાર ચાલી રહી હતી.
વહેલી પરોઢના સમયે યુવતી જ્યારે દવાની અસર હેઠળ અર્ધ બેભાન અવસ્થામાં હતી, ત્યારે તેની લાચારીનો ગેરલાભ ઉઠાવીને હોસ્પિટલના જ કર્મચારીએ અડપલાં કર્યાં હતા. આ દરમિયાન યુવતીને પોતાના શરીર પર કોઈ હાથ ફેરવતું હોવાનો અહેસાસ થતાં તેણે બૂમાબૂમ કરી મૂકતા હોસ્પિટલનો કર્મચારી ICUમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો.
આખરે આ મામલે યુવતીએ પોતાના પિતાને જાણ કરી હતી. આથી પીડિત યુવતીના પિતાએ હોસ્પિટલ સત્તાધીશો પાસે CCTV ફૂટેજ જોવાની માંગ કરવામાં આવી હતી. જો કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ફૂટેજ બતાવવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી.
આખરે પીડિત યુવતીને વધુ સારવાર અર્થે યુ.એન. મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેના સ્વાસ્થ્યમાં સુધારો જણાતા તેણે સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા દર્દી સાથે અડપલા કરનાર ઈસમની ઓળખ ઈન્દ્રજીત રાઠોડ તરીકે થઈ છે, જે અસારવા વિસ્તારમાં રહેતો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસ દ્વારા હોસ્પિટલમાં CCTV ફૂટેજ મેળવવા સહિત આરોપીની ધરપકડની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
