Ahmedabad: સેટેલાઈટમાં પત્નીએ સૂઈ રહેલા પતિનો ધાબળો ખેંચી ગુપ્ત ભાગે એસિડ રેડ્યું, અન્ય સ્ત્રીઓ સાથે સબંધની શંકા રાખી હુમલો કર્યો

બૂમાબૂમ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા અને પતિને સોલા સિવિલ લઈ ગયા. પતિની ફરિયાદના આધારે એસિડ એટેક કરનાર પત્નીની ધરપકડ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Oct 2025 04:24 PM (IST)Updated: Tue, 21 Oct 2025 04:27 PM (IST)
ahmedabad-news-wife-acid-attack-on-husband-over-extramarital-affair
HIGHLIGHTS
  • ઑનલાઈન ફૂડ ડિલિવરી બૉયનું કામ કરતાં પતિ પર એસિડ એટેક
  • બે વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કરીને રાજીવનગરમાં દંપતી રહેવા આવ્યું હતુ

Ahmedabad: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં દિવાળીની સવારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આડાસબંધની શંકામાં પત્નીએ પોતાના જ પતિ પર એસિડ એટેક કર્યો હોવાનો બનાવ સેટેલાઈટ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રાજીવનગર વિભાગ-1માં રહેતા દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગઈકાલે દિવાળીના દિવસે પતિ સૂઈ રહ્યો હતો, ત્યારે ઉશ્કેરાયેલી પત્નીએ સૌ પ્રથમ પતિ પણ ગરમ લ્હાય જેવું પાણી રેડી દીધુ હતુ. આટલેથી સંતોષ ના થતાં પત્નીએ ધાબળો ખેંચીને પતિના ગુપ્તાંગ પર એસિડ ફેંક્યું હતુ.

આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ બિછાનેથી પતિએ પોલીસમાં પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઓનલાઈન ફૂડ ડિલિવરી બૉય તરીકે કામ કરનાર રોનક ખીમસુરીયાએ આજથી બે વર્ષ પૂર્વે દમયંતી પરમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જે બાદ તેઓ સેટેલાઈટના રાજીવનગરમાં ભાડે રહેતા હતા.

જો કે પત્ની દમયંતી પતિ રોનકના અન્ય સ્ત્રીઓ સાથે આડાસબંધ હોવાની શંકા રાખતી હતી. જેના પરિણામે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દિવાળીની સવારે પણ રોનક સૂઈ રહ્યો હતો, ત્યારે દમયંતીએ તેની સાથે માથાકૂટ કરી હતી.

આ દરમિયાન ઉશ્કેરાઈને તેણે પતિ પર એસિડ રેડી દીધુ હતુ. હાલ તો સેટેલાઈટ પોલીસે પત્ની દમયંતી પરમારની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.