અમદાવાદમાં મોસમનો મિજાજ બદલાયોઃ અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદનું તોફાની ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી

એસ.જી હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, શીલજ, શેલા અને સાણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 May 2026 10:05 PM (IST)Updated: Tue, 05 May 2026 10:05 PM (IST)
ahmedabad-news-weather-change-across-the-city-many-area-gets-heavy-rain-at-night

Ahmedabad Rain: હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં પલટો જોવા મળ્યો છે.

હકીકતમાં આજે વહેલી સવારથી અમદાવાદમાં સૂર્ય વાદળો વચ્ચે સંતાકૂકડી રમતો હોય તેમ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. તેમજ શહેરીજનો અસહ્ય બફારાના કારણે પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. બીજી તરફ મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના દાહોદ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં માવઠા પણ વરસ્યા હતા.

જો કે રાતે સાડા 9 વાગ્યાની આસપાસ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એકદમ જ ઠંડો પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદના એસ.જી હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, શેલા, શીલજ, બોપલ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોને અસહ્ય બફારામાંથી રાહત મળી હતી.

ગુજરાતના 8 તાલુકામાં વરસાદી માહોલ

આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દાહોદ જિલ્લાના ફતેપુરામાં સૌથી વધુ 20 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય દાહોદના ઝાલોદમાં 14 મિ.મી., સુખસરમાં 12 મિ.મી, મહીસાગરના સંતરામપુરમાં 10 મિ.મી અમરેલીના ધારીમાં 4 મિ.મી અને રાજકોટના જામકંડોરણામાં 2 મિ.મી વરસાદ પડ્યો છે.