Ahmedabad News: અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે, શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા મહત્ત્વપૂર્ણ ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ માટે મોટેરાના બળદેવનગર વિસ્તારમાં ટીપી રોડની અડચણરૂપ 29 જેટલા રહેણાંક અને વાણિજ્ય પ્રકારના મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ટીપી રોડ અદ્યતન એક્વેટિક સ્ટેડિયમ સુધી પહોંચશે
આ પણ વાંચો
આ 24.0 મીટર પહોળો ટીપી રોડ સીધો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બની રહેલા અદ્યતન એક્વેટિક સ્ટેડિયમ સુધી પહોંચશે, જે રમતગમત મહાકુંભ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ રોડ સીધો એક્વેટિક સ્ટેડિયમ તરફ જવાનો સુગમ માર્ગ પૂરો પાડશે, જેથી તેના નિર્માણ માટે માર્ગમાં આવતા દબાણો દૂર કરવા અનિવાર્ય બન્યા હતા.
અગાઉથી નોટિસ પાઠવી મકાનો ખાલી કરવા સૂચના અપાઈ હતી
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મોટેરા બળદેવનગરના આ 29 મકાનો ટીપી રોડમાં આવતા હોવા અંગે રહીશોને અગાઉથી નોટિસ પાઠવી મકાનો ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જોકે, રહીશો દ્વારા મકાનો ખાલી કરવામાં આવ્યા નહોતા અને તેઓએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાઈકોર્ટે તેમની અરજી નકારી કાઢતા ડિમોલિશનનો માર્ગ મોકળો બન્યો હતો. રહીશો દ્વારા ડબલ બેંચમાં અરજી કરવામાં આવી હોવા છતાં, તેની સુનાવણી પહેલાં જ આજે ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી
મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફની મોટી ટુકડી સાથે આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ચાર હિટાચી મશીન, બે જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરો તૈનાત કરવામાં આવ્યા હતા. વહેલી સવારે જે પણ રહીશો મકાનોમાં હાજર હતા, તેમને સલામત રીતે બહાર ખસેડી મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. સવાર સુધીમાં ૧૫ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં તમામ ૨૯ દબાણો દૂર કરી દેવામાં આવશે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેરને 'સ્પોર્ટ્સ સિટી' તરીકે વિકસાવવાની તૈયારીઓ પૂરજોશમાં
આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરને 'સ્પોર્ટ્સ સિટી' તરીકે વિકસાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ પણ આકાર લઈ રહ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારોને પણ આધુનિક સુવિધાઓ સાથે ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
આ ટીપી રોડ અચેર ડેપોથી સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે અને સાબરમતીના બળદેવનગર તેમજ સુભાષનગરના કેટલાક મકાનોમાંથી પસાર થાય છે. અગાઉ, ટીપી રોડ પર આવતા અચેર વિસ્તારના સુભાષનગરના મકાનોનું ડિમોલિશન કરી દેવાયું હતું, જેથી આ ટીપી રોડનો એક ભાગ ખુલ્લો થઈ ગયો હતો. હવે બળદેવનગરના બાકી રહેલા દબાણો દૂર થતાં સમગ્ર માર્ગ ખુલ્લો બનશે.
