Ahmedabad: ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન શિક્ષક યોગ્યતા કસોટી (TET-1)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધોરણ 1 થી 5માં પ્રાથમિક શાળાના શિક્ષક માટે લેવાયેલી આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી 1.01 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
અમદાવાદમાં TETની એક્ઝામ આપવા આવેલા બે ઉમેદવારોને અકસ્માત નડ્યો
આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ 38,269 ઉમેદવારોએ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા આપી હતી. જે પૈકી હિંમતનગરથી પરીક્ષા આપવા માટે અમદાવાદ આવેલા બે ઉમેદવારોને અકસ્માત નડ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના બન્ને ઉમેદવારો શહેરના અજીતમિલ ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ જતી કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતના પગલે બન્ને ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રની જગ્યાએ શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ સિવાય આ સિવાય વડોદરામાં 30,475, રાજકોટમાં 14,190 તેમજ સુરતમાં 18,584 ઉમેદવારોએ એક્ઝામ આપી હતી.
બે વર્ષ બાદ યોજવામાં આવેલી TETની પરીક્ષામાં 30 મિનિટ જેટલો સમય વધારીને 120 મિનિટ આપવામાં આવી હતી. જો કે ઘણાં ઉમેદવારોને સમય ખૂટ્યો હતો. આ સિવાય પેપરમાં મેથ્સના પ્રશ્નો અઘરા પૂછવામાં આવ્યા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠી છે. ખાસ વાત એ છે કે, 150 માર્ક્સના પેપરમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યા નથી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ટેટની પરીક્ષા સંપન્ન થઈ ગઈ છે.
