Stray Dog Attacks Child In Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રખડતાં કૂતરાંનો આતંક યથાવત છે. શહેરના જૂહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં પણ ઘર પાસે રમી રહેલા બાળક પર એક રખડતાં કૂતરાંએ જીવલેણ હુમલો કર્યો હતો. બાળકની બૂમાબૂમ સાંભળીને પિતા દોડીને આવ્યા હતા અને કૂતરાં સાથે બાથ ભીડી વ્હાલસોયાને બચાવ્યો હતો. બનાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જોકે કૂતરાંના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કૂતરાં હુમલાના સામે આવેલા સીસીટીવીમાં જોઇ શકાય છેકે, જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક બાળક ઘરમાંથી બહાર નીકળીને રમી રહ્યું હતું. ત્યાં અચાનક એક કૂતરું દોડીને તેની પાસે આવે છે અને બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. રખડતાં કૂતરાંએ બાળકને પેટ અને પગના ભાગે કરડ્યું હતું. બાળક કૂતરાં મુખમાંથી બચવા તરફડિયા મારી રહ્યું હતું. એ સમયે સોસાયટીની બહાર ઉભેલા બાળકના પિતા દોડીને આવે છે અને કૂતરાંના મુખમાંથી બાળકને બચાવવા પ્રયાસો કરે છે. કૂતરાં સાથે બાથ ભીડીને પોતાના વ્હાલસોયાને બચાવે છે.
અમદાવાદની ઘટના: બાળક પર કૂતરું તૂટી પડ્યું, પિતાએ મહામુસીબતે છોડાવ્યું#Ahmedabad #cctv #Ahmedabadcctv #અમદાવાદ pic.twitter.com/FHzmocm61v
— Gujarati Jagran (@gujaratijagran) November 17, 2023
કૂતરાંનાં હુમલાથી બાળકે બૂમાબૂમ કરી મુકતા સોસાયટીના અન્ય લોકો બહાર આવી ગયા હતા. કૂતરાંના હુમલાને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જો બાળકના પિતા સમયસર ન પહોંચ્યા હોત તો બાળકને ગંભીર ઇજાઓ પહોંચી શકત. હાલ આ બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે કૂતરું કરડવાના કિસ્સા બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
