Ahmedabad News: અમદાવાદના નારોલ વિસ્તારમાં પારિવારિક કંકાસની એક ગંભીર ઘટનાએ હત્યાનું સ્વરૂપ લેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પત્નીને પરત તેડી જવા માટે સાસરીમાં આવેલા જમાઈનું ઝઘડા દરમિયાન ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ હત્યાના ગુનામાં મૃતકની પત્નીએ જ પોતાની માતા (સાસુ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકની પત્ની ઘરકંકાસથી કંટાળીને પોતાના પિયર નારોલ ખાતે રહેવા આવી ગઈ હતી. પતિ તેને પરત પોતાના ઘરે લઈ જવા માટે સાસરીમાં આવ્યો હતો. જોકે, આ મુલાકાત દરમિયાન સાસુ અને જમાઈ વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જેનું પરિણામ એક કરુણ હત્યામાં આવ્યું છે. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જમાઈ અને સાસુ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં જમાઈનું મૃત્યુ થતાં નારોલ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમાઈના હુમલાથી બચવા સાસુએ મારી ઈંટ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝઘડા દરમિયાન જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સાસુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, જમાઈએ અસ્ત્રા વડે સાસુ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોતાના જીવના જોખમથી બચવા માટે સાસુએ સ્વ-બચાવમાં ત્યાં પડેલી ઈંટ ઉઠાવી હતી. સાસુએ બચાવ માટે તે ઈંટ જમાઈના માથામાં જોરથી મારી દીધી હતી. ઈંટ વાગતાં જ જમાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથામાં ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પુત્રીની ફરિયાદથી પોલીસે માતાની કરી ધરપકડ
આ સમગ્ર ઘટનામાં એક દુઃખદ વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક જમાઈની પત્નીએ જ નારોલ પોલીસ સ્ટેશનમાં પોતાની માતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. પુત્રીની ફરિયાદને આધારે, નારોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનો દાખલ કર્યો હતો અને હત્યાના આ બનાવમાં આરોપી સાસુની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ કૌટુંબિક ઝઘડાની વિગતો અને હુમલાના સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.