Ahmedabad: અમદાવાદના શહેર કોટડા પોલીસ મથકની હદમાં બુધવારે ભરબપોરે રૂ. 18 લાખની ચકચારી લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટીલ-લોખંડના બ્રોકરની કારમાંથી બાઈક પર આવેલા લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈને રફૂચક્કર થઈ ગયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટીલ-લોખંડના બ્રોકર શહેરના સીજી રોડ પરથી ધંધાની ઉઘરાણીના રૂ. 18 લાખ બેગમાં લઈને શહેરકોટડા સ્થિત સરસપુર-રખિયાલ વોર્ડમાં આવેલ વંદેમાતરમ પાર્ટીપ્લોટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક સવારે તેમની કાર આંતરીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેણે બ્રોકર કંઈ સમજે તે પહેલા કારની ચાવી ઝૂંટવીને રોડ પર ફેંકી દીધી હતી.
આથી બ્રોકર ચાવી લેવા માટે કારની બહાર નીકળ્યા હતા. આ સમયે જ બીજા બાઈક પર આવેલા બે શખ્સો તેમની કારમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને બાઈક પર પલાયન થઈ ગયા હતા. આ મામલે વેપારીએ શહેર કોટડા પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારુંઓ બ્રોકરની હિલચાલ પર પહેલાથી નજર રાખી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. હાલ તો પોલીસે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસી લૂંટારાઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
