Ahmedabad: બોગસ પાસપોર્ટ પર અમેરિકા ગયા પછી પરત આવતો રાણીપનો યુવક ઝડપાયો, એરપોર્ટ પર ઈમિગ્રેશન ઑફિસરે ચેક કરતાં ભાંડો ફૂટ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 May 2024 07:58 PM (IST)Updated: Tue, 21 May 2024 07:58 PM (IST)
ahmedabad-news-ranip-man-held-with-fake-passport-at-airport
HIGHLIGHTS
  • રૂ. 50 લાખમાં એજન્ટ દ્વારા બોગસ પાસપોર્ટ બનાવી 10 વર્ષના વિઝા મેળવ્યા

Ahmedabad: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાની ઘણી વખત તેમને મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાના ચક્કરમાં અનેક ગુજરાતીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, તો કેટલાક જેલમાં સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં રાણીપનો એક યુવક બોગસ પાસપોર્ટથી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા પછી પરત આવતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજથી બે દિવસ પહેલા કતાર એરલાઈન્સની ફ્લાઈટ દોહાથી અમદાવાદ આવી પહોંચી હતી. આ સમયે એરપોર્ટ પર ઈમિગ્રેશન ઑફિસર તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર પાંડેના ધ્યાનમાં એક પેસેન્જરનો પાસપોર્ટ બોગસ હોવાનું જણાયું હતુ.

આથી રાકેશકુમારે એરપોર્ટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ઑફિસરને જાણ કરીને પેસેન્જરને ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં તેણે પોતાનું નામ જીતેન્દ્ર પટેલ (રહે. ન્યૂ રાણીપ) હોવાનું જણાવ્યું હતુ.

વધુમાં જીતેન્દ્રએ જણાવ્યું કે, પોતાને અમેરિકા જવું હોવાથી તેણે 2021માં કલોલ રહેતા જગાભાઈ નામના એજન્ટને કામ સોંપ્યું હતુ. જેણે 50 લાખ રૂપિયામાં દિલ્હી ખાતે રહેતા સરદારજી નામના અન્ય વ્યક્તિ પાસે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જેમાં કોઈ અન્યના પાસપોર્ટમાં જીતેન્દ્ર પટેલનો ફોટો લગાવીને બોગસ પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બોગસ પાસપોર્ટ થકી 2021માં તેઓ 10 વર્ષના વિઝા મેળવીને અમેરિકા પહોંચી ગયા હતા.

જો કે છેલ્લા કેટલાક દિવસથી જીતેન્દ્ર પટેલને બન્ને કિડનીમાં તકલીફ થતાં તેઓ ઑપરેશન કરાવવા માટે અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ઈમિગ્રેશન અધિકારીએ તેમને ઝડપી પાડ્યા હતા.

હાલ તો ઈમિગ્રેશન ઑફિસર રાકેશકુમારની ફરિયાદના આધારે SOG પોલીસે કલોલના જગાભાઈ તેમજ દિલ્હીના સરદારજી નામના એજન્ટની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.