Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક નિયમભંગ બદલ રોકવામાં આવતા સર્જાયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ટ્રાફિક સિગ્નલ તોડનાર યુવતી સાથેની રકઝક દરમિયાન આવેશમાં આવી જાહેરમાં લાફો મારનાર હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસકર્મી સાથે ગેરવર્તન અને ફરજમાં અડચણ ઉભી કરવા બદલ યુવતી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ બનાવ 19 ડિસેમ્બરના રોજ બન્યો હતો. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને એલ.એલ.એમ. (LLM) નો અભ્યાસ કરતા બંસરીબેન ઠક્કર ટુ-વ્હીલર પર હોસ્પિટલ જઈ રહ્યા હતા. પાલડી નજીક અંજલી (અંગ્રેજી) ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવા છતાં તેમણે સિગ્નલ તોડીને વાહન હંકાર્યું હતું. ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ જ્યોતિભાઈ ગણાસ્વાએ તેમને રોકી લાયસન્સ અને દસ્તાવેજો માંગ્યા હતા. યુવતી હેલમેટ વગર અને ડબલ સવારીમાં હતી.
દસ્તાવેજો માંગતા જ મામલો બિચક્યો હતો. યુવતીએ પોલીસકર્મી પર ઊંચા અવાજે વાત કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે પ્રત્યુત્તરમાં બોલાચાલી ઉગ્ર બનતા હેડ કોન્સ્ટેબલે યુવતીને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો, જેના કારણે યુવતીને આંખના ભાગે ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું અને નાગરિક પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલ જ્યોતિભાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે.
જોકે, સિક્કાની બીજી બાજુ તપાસતા પોલીસના બોડીવોર્ન કેમેરાના ફૂટેજમાં અલગ હકીકત સામે આવી હતી. ફૂટેજ મુજબ, યુવતીએ શરૂઆતમાં પોલીસકર્મીઓ સાથે અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને પોતાનું આઈ-કાર્ડ પોલીસકર્મીના મોઢા પર ફેંક્યું હતું. આ વર્તનને પગલે દોઢ વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે યુવતી સામે સરકારી કામકાજમાં દખલગીરી, મારામારી અને અપશબ્દો બોલવા સબબ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
