Ahmedabad Police: અમદાવાદ શહેરની સુરક્ષા અને નાગરિકોના રક્ષણની જવાબદારી જેમના શીરે છે, તે જ પોલીસ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજાનો વિશ્વાસ ડગમગી જાય છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રસ્તા વચ્ચે એક હેડ કોન્સ્ટેબલે શિસ્તની તમામ મર્યાદાઓ ઓળંગીને એક મહિલા પર હાથ ઉઠાવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને પોલીસની ચોમેર ટીકા થતાં આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા વાહન ચેકિંગની કામગીરીમાં હતા. આ દરમિયાન એક મહિલા સાથે આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે કાર્ડ નીચે પડી ગયું હતું. આ જેવી સામાન્ય બાબતે પોલીસકર્મીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સામાન્ય નાગરિક સાથે વિવેકપૂર્ણ વર્તન કરવાને બદલે જયંતી ઝાલાએ ખાખી વર્દીનો રોફ જમાવી મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી અને જોતજોતામાં તેને લાફો ઝીંકી દીધો હતો. રસ્તા વચ્ચે પોલીસ દ્વારા મહિલાના અપમાનનો આ વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા તે આગની જેમ પ્રસરી ગયો હતો.
બંને પક્ષે કાર્યવાહી: મહિલા સામે પણ ગુનો દાખલ
આ મામલે ડીસીપી (DCP) ભાવનાબેન પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં શિસ્તભંગ ચલાવી લેવાશે નહીં, તેથી હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરાયા છે. ડીસીપીએ નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, "પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું."
અંજલી ચાર રસ્તા વાહન ચેકિંગ દરમિયાન રોંગ સાઈડમાં વાહન આવતા, વાહન રોકતા આ બનાવ બનેલ હતો. આ બનાવમાં “એન” ટ્રાફીક પોલીસ સ્ટેશન ગુ.ર.નં.5672025, ધી ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ 281, 221, 296(b), 351 (1) તથા ધી મોટર વ્હીકલ એક્ટ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. સામેના બહેનને…
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 20, 2025
બીજી તરફ, પોલીસે મહિલા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મહિલા રોંગ સાઈડમાં વાહન ચલાવતી હતી અને ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરી રહી હતી. 'એન' ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, 221, 296(b), 351(1) અને મોટર વહીકલ એક્ટની કલમ 177 તથા 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આનાકાનીનો આક્ષેપ
આ ઘટનામાં આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા દુર્વ્યવહારની ફરિયાદ કરવા પાલડી પોલીસ સ્ટેશન પહોંચી. આક્ષેપ છે કે ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓએ તેની ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી. જોકે, અમદાવાદ પોલીસે 'X' (ટ્વિટર) પર સ્પષ્ટતા કરી છે કે મહિલાએ શરૂઆતમાં ફરિયાદ આપી ન હતી, જેની નોંધ સ્ટેશન ડાયરીમાં છે. પરંતુ બાદમાં મહિલાએ અરજી આપતા હવે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયની સૂચના અને તપાસ
મામલો સોશિયલ મીડિયામાં ગાજ્યા બાદ રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરથી કડક કાર્યવાહીના નિર્દેશ મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવાને બદલે જ્યારે આવા કિસ્સા બને છે ત્યારે સમગ્ર પોલીસ બેડાની છબી ખરડાય છે. હાલમાં પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે મહિલાએ અગાઉ ક્યારેય આ પ્રકારનું વર્તન પોલીસ સાથે કર્યું છે કે કેમ. આ કિસ્સો ફરી એકવાર પોલીસની તાલીમ અને જાહેર જનતા સાથેના તેમના વર્તન સામે સવાલો ઉભા કરી રહ્યો છે.
