Ahmedabad News: એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પાસે સરકારી જીપને આગ લગાડનાર ઈસમ 24 કલાક બાદ ઝડપાયો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 12 Sep 2023 11:08 AM (IST)Updated: Tue, 12 Sep 2023 11:08 AM (IST)
ahmedabad-news-person-set-government-jeep-on-fire-near-the-ellisbridge-police-station-was-caught-after-24-hours

Ahmedabad News: શહેરના એલિસબ્રીજ પોલીસ સ્ટેશન પાસે રવિવારે વહેલી સવારે એક વ્યક્તિએ નજીકમાં પાર્ક કરેલી પોલીસની સરકારી જીપને સળગાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આંબાવાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને 24 કલાક બાદ ઝડપી લીધો હતો.

એલિસબ્રીજ પોલીસ સ્ટેશન પાસે જ પોલીસની સરકારી જીપમાં કોઇએ આગ લગાવી દેતાં જીપનું ડેસબોર્ડ, બોનેટ અને સીટ સળગી ગઇ હતી. જેથી આ બાબતે પોલીસ સ્ટેશન પાસે જ પાર્ક કરેલી જીપને કોઇ સળગાવી જાય તો પણ સ્ટાફને ખ્યાલ ન આવે તે બાબતને લઇને ઉચ્ચ અધિકારીઓએ પણ પોલીસ અધિકારી અને ફરજ પર હાજર સ્ટાફનો ઉધડો લીધો હતો.

આ કેસમાં પોલીસે એલિસબ્રીજ ચાર રસ્તા પાસેના સીસીટીવીના ફુટેજ મેળવીને તપાસ કરતા જોવા મળ્યું હતું કે, એક વ્યક્તિ બાઇકને પોલીસ સ્ટેશન પાસેના ઓવરબ્રીજ નીચે પાર્ક કરીને સરકારી જીપનો દરવાજો ખોલીને તેમાં જ્વલનશીલ પદાર્થ મુકીને આગ લગાડીને જતો રહે છે. જે બાદ પોલીસે બાઈકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા આ બાઇક અલ ડોનાલ્ડ માર્કસ (રહે. રીટા વીલા, આંબાવાડી) ના નામે રજીસ્ટર્ડ થયેલું હતું. જેના આધારે તેની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે મીડિયામાં ફેમસ થવા માટે પોલીસ સ્ટેશન પાસે જ સરકારી જીપને ટારગેટ કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે સાથે કોઇ અંગત અદાવતને કારણે નહીં પણ પ્રખ્યાત થવા માટે પોલીસની જીપને ટારગેટ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. બીજી તરફ એવી પણ વિગતો સામે આવી હતી કે તે કૌટુંબિક પ્રશ્નોને કારણે સતત માનસિક દબાણમાં રહેતો હતો. ત્યારે હાલ પોલીસે આ અંગે વધુ પુછપરછ હાથ ધરી છે. સાથેસાથે પોલીસ સ્ટેશન પાસે જ સરકારી વાહનને આગ લગાવવાની ઘટનાને લઇને અનેક સવાલ ઉભા થયા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.