Ahmedabad: અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય, તેમ લૂંટ, હત્યા, મારામારી, છેડતી જેવી વારદાતોને બિન્દાસ્ત અંજામ આપી રહ્યા છે. બે દિવસ પહેલા જ પાલડીમાં મોડી રાતે યુવકની ઘાતકી હત્યા કરનારા ગુનેગારો પોલીસ પકડથી દૂર છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વિરાટનગર ઑવર બ્રિજ નીચે પાર્કિંગમાં સફેદ રંગની મર્સિડીઝ કારની ડેકીમાંથી એક બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે મોડી રાતે વિરાટનગર ઑવર બ્રિજ નીચે પાર્ક કરવામાં આવેલી GJ-01-KU-6420 નંબરની સફેદ રંગની મર્સિડીઝ કારમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. આથી રાહદારીઓએ આ બાબતે જાણ કરતાં ઓઢવ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેની ડેકીમાંથી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવેલ પુરુષની લાશ મળી આવી હતી.
આથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીની તેની ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. જેમાં મૃતકની ઓળખ પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમત રૂડાણી તરીકે થઈ હતી. પોલીસે મૃતકના ફોન કૉલ્સની ડીટેલ્સ અને જ્યાંથી ડેડબૉડી મળી તેની આસપાસના CCTV ફૂટેજના આધારે હત્યારાઓને પકડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.
આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમની ઓળખ હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ (રહે. હીરાવાડી, અમદાવાદ), પપ્પુ મેઘવાલ અને એક સગીર બન્ને (રહે. સિરોહી, રાજસ્થાન) તરીકે થઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક હિંમતભાઈની શહેરના નરોડા અને નિકોલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટો ચાલે છે.તેઓ ગઈકાલે સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઈટ પર જવા નીકળ્યા હતા, જે બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહતો. પૈસાની લેવડ-દેવડને લઈને તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો પોલીસે આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
