Ahmedabad: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે વાલીઓએ ફરીથી હોબાળો મચાવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત સપ્તાહે એકલવ્ય સ્કૂલના કરાટે શિક્ષક આર્યુ દુબેએ પોતાના મોબાઈલમાંથી અશ્લિલ વીડિયો વિદ્યાર્થિનીઓને બતાવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થિનીઓએ વાલીને જાણ કરતાં સ્કૂલમાં હોબાળો મચ્યો હતો.
જે પૈકી કેટલાક વાલીઓ દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે DEOના આદેશ બાદ એકલવ્ય સ્કૂલ દ્વારા કરાટે ટ્રેનરને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આમ છતાં વાલીઓ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
જે બાદ વાલીઓ દ્વારા સ્કૂલ કેમ્પસમાં શિક્ષકોના મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકવા તેમજ દરેક વર્ગખંડમાં CCTV કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી. આમ છતાં વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે સ્કૂલ સંચાલકો તરફથી કોઈ સંતોષજનક જવાબ ના મળતા વાલીઓએ ફરીથી એક વખત સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જે પૈકી કેટલાક વાલીઓએ તો પોતાના બાળકનું LC કઢાવી લેવાનું પણ મન મનાવી લીધુ હોવાનું માલૂમ પડ્યું છે.
