Ahmedabad News: તાજેતરમાં પંચાલ સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જન્મદર વધારવા અને દ્વિતીય સંતાનને પ્રોત્સાહન આપવા માટે 25 હજારના ચેકની જાહેરાત કરવામાં આવી હતી. પંચાલ સમાજ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને નિર્ણયને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલનું સમર્થન મળ્યું છે. આર.પી. પટેલે પંચાલ સમાજના આ પગલાને ‘આવકારદાયક અને પ્રશંસનીય’ ગણાવ્યું છે, તેમણે સિંગલ-ચાઈલ્ડ અને નો-ચાઈલ્ડના વધતા જતા પ્રચલિત વલણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
પંચાલ સમાજના આ નિર્ણયને આવકારતા આર.પી. પટેલે જણાવ્યું હતું કે, પંચાલ સમાજે બીજા બાળક માટે આર્થિક સહાયની જાહેરાત કરીને સમગ્ર સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં 'સિંગલ ચાઈલ્ડ' અને 'નો ચાઈલ્ડ'નો જે ટ્રેન્ડ પ્રવર્તી રહ્યો છે, તે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.
ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે
આર પી પટેલે વધુમાં ઉમેર્યું કે, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના અનેક દેશો આજે જન્મદર વધારવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. 'સિંગલ ચાઈલ્ડ'ના કોન્સેપ્ટને કારણે પારિવારિક અને સામાજિક સ્તરે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. જો પરિવારમાં એકમાત્ર સંતાનને કોઈ અકસ્માત થાય, ગંભીર બીમારી થાય કે તેનું મૃત્યુ થાય, તો આખું પરિવાર નિરાધાર બની જાય છે અને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાય છે. પારિવારિક સંખ્યા ઘટવાને કારણે સામાજિક શક્તિ પણ તૂટતી જાય છે, જે આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્ર માટે અત્યંત જરૂરી છે. જ્યારે સામાજિક શક્તિમાં ઘટાડો થાય છે, ત્યારે સનાતની શક્તિ પણ નબળી પડે છે, જે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.
લગ્નોનો ટ્રેન્ડ હવે 28-30 વર્ષે પહોંચ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ 20-25 વર્ષે થતા લગ્નોનો ટ્રેન્ડ હવે 28-30 વર્ષે પહોંચ્યો છે. આનાથી 100 વર્ષમાં પેઢીઓની સંખ્યા ઘટી રહી છે. આ ઉપરાંત, નિઃસંતાન દંપતીઓની વધતી સંખ્યા પણ હિન્દુ સમાજમાં વસ્તી ઘટાડવામાં ફાળો આપી રહી છે. જો હિન્દુ સમાજમાં આ પ્રકારે સંખ્યાનો દર ઘટતો રહેશે, તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે પંચાલ સમાજના નિર્ણયને બિરદાવતા અન્ય હિન્દુ સમાજોને પણ એકથી વધુ બાળકોને જન્મ આપવા અપીલ કરી હતી. તેમણે અંતમાં કહ્યું કે, એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની સનાતનીઓની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે.
બીજું સંતાન જન્મે તો 25 હજારના ચેકની જાહેરાત
ઉલ્લેખનીય છેકે, પંચાલ સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી વસ્તી અને એક બાળકની માનસિકતા પર ચર્ચા કરવાનો હતો. આ મહાસંમેલનમાં દ્વિતીય સંતાન લાવનાર દંપતીને માતાના નામે રૂ. 25 હજારનો ચેક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, અને પાટણવાડા તથા બાવીસી પંચાલ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચાલ સમાજના આગેવાનોએ જણાવ્યું કે, અમારું મુખ્ય ધ્યાન સમાજમાં ઘટતી સભ્ય સંખ્યા પર છે. દંપતીઓ પોતાના કેરિયર, મોજશોખ કે ખર્ચને અનુલક્ષીને એક બાળકથી આગળ વધતા નથી. તેમનું ફાઉન્ડેશન આવા દંપતીઓને પ્રોત્સાહિત કરે છે, જેથી દ્વિતીય સંતાન લાવવાથી પહેલા બાળકને તેમજ માતા-પિતાને ભવિષ્યમાં સુરક્ષા મળી શકે. દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી ધોરણે માતાના નામનો 25 હજાર રૂપિયાનો ચેક આપીએ છીએ.
