Nasha Mukt Yuva for Viksit Bharat: BAPS સ્વામિનારાયણ સંસ્થાના 30 હજારથી વધુ યુવાનો 'નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત' અભિયાનમાં જોડાયા

વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાનમાં BAPS સંસ્થાના 30,000થી વધુ યુવાનો જોડાયા. આ યુવાનોએ ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી અને વ્યસનમુક્તિ માટે BAPSના ઐતિહાસિક પ્રયાસોને આગળ વધાર્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 05:41 PM (IST)Updated: Sun, 02 Aug 2026 05:41 PM (IST)
ahmedabad-news-over-30000-baps-youth-join-nasha-mukt-yuva-for-viksit-bharat-campaign

Nasha Mukt Yuva for Viksit Bharat: દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.

MY Bharat સ્વયંસેવકો, NSS સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સહિત દેશભરના હજારો સ્થળોના યુવાનોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

સમગ્ર ભારતમાંથી BAPS સંસ્થાના વિવિધ 60થી અધિક સેન્ટરોમાં આવેલ 30,000થી અધિક યુવાનો અને યુવતીઓ આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. બીએપીએસ સંસ્થા દ્વારા તમામ સેન્ટરો પર યુવાનો માટે વિશેષ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' ની ઓનલાઈન પ્રતિજ્ઞા લઈને આ ઝુંબેશ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ તકે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર સંત ઈશ્વરચરણ સ્વામીએ યુવાનોને પ્રેરણાદાયક સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, ‘ભગવાન સ્વામિનારાયણે એમના આશ્રિતોને વ્યસનમુક્ત રહેવાનો આદેશ આપેલો છે. જે વ્યસનમુક્ત હોય એ જ સાચો સત્સંગી બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અભિયાન માટે યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે, તેથી દરેકે ઉત્સાહ અને પ્રેમ સાથે આગળ આવવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામિનારાયણના સમયથી તેમના 3,000થી વધુ સંતો અને પરમહંસો ગામડાઓમાં પ્રવાસ કરી ચૂક્યા છે, લોકોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી છે.

પ્રમુખસ્વામી મહારાજે વ્યસનમુક્તિ અને લોકકલ્યાણની આ ઝુંબેશ ચાલુ રાખી, તેમના જીવનકાળ દરમિયાન 50 લાખથી વધુ લોકોને વ્યસન છોડીને પવિત્ર જીવન અપનાવવા પ્રેરણા આપી હતી જેમાં ખેડૂતો, આદિવાસી સમુદાયો, ઉદ્યોગપતિઓ અને યુવાનોનો સમાવેશ થાય છે.

છેલ્લા ઘણા દાયકાઓથી BAPS સંસ્થા વ્યસનમુક્તિ અને તેના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ છે:

1997: સંસ્થાએ ગુજરાતના વિવિધ ગામડાઓ અને શહેરોમાં વ્યસનમુક્તિ શિબિરોનું આયોજન કર્યું, જેમાં હજારો લોકો વ્યસનમુક્ત થયા. વધુમાં, વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવવા માટે અનેક સ્થળોએ મોબાઇલ વ્યસનમુક્તિ પ્રદર્શનો યોજવામાં આવ્યા, જેમાં ઘણા લોકોએ વ્યસન અને ડ્રગ્સથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી.

2000: સંસ્થાની બાળપ્રવૃતિ દ્વારા 9 થી 14 વર્ષની વયના બાળકોએ 2,500 ગ્રુપ બનાવી ગુજરાત, મુંબઈ અને કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને ડ્રગ્સ મુક્ત જીવનશૈલી અપનાવવા વિનંતી કરી. પરિણામે, લાખો લોકોએ ગુટખા, ડ્રગ્સ, ધૂમ્રપાન અને દારૂ જેવી આદતો છોડી દેવા માટે લેખિત પ્રતિજ્ઞા લીધી.

2007: વ્યસનમુક્તિ ઝુંબેશના ભાગરૂપે 23000 બાળકો અને યુવાનોએ દેશભરમાં 2,100,000 લોકોનો સંપર્ક કર્યો, જેમાંથી 6,30,000 લોકોએ વ્યસન અને ડ્રગ્સથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભવનમાં સંસ્થાના બાળ અને યુવા કાર્યકરોને મળ્યા અને તેમના કાર્યની પ્રશંસા કરીને તેમનું સન્માન કર્યું.

2022: ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે, બાળકો અને યુવાનોએ દેશભરમાં વ્યસનમુક્તિ અભિયાનમાં ભાગ લીધો જેમાં લાખો લોકોને શુદ્ધ અને પવિત્ર જીવન જીવવા માટે પ્રેરણા આપી.

આજે વર્તમાનકાળે મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ, અસંખ્ય લોકોએ તેમના જીવનને સુધારવા માટે વ્યસનમુક્ત જીવન અપનાવ્યું છે. તેમના દર્શન અને પવિત્ર જીવનથી પ્રેરિત થઈને, તેઓ પોતાના અને સમાજ માટે ઉચ્ચતર ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે.