Ahmedabad News: અમદાવાદના ખોખરામાં આવેલા એક ફ્લેટમાં આજે વહેલી સવાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. આગ લાગ્યાની જાણ થતાં થોડો સમય અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
આગની ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં હેબ્રોન એપાર્ટમેન્ટ આવેલા છે. જેના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં સવારના સમયે ઘરના સભ્યો દ્વારા પાણી ગરમ કરવા ગેસ ચાલુ કરવામાં આવ્યો હતો. ગેસ ચાલુ કરતા જ અચાનક આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા ઘરના સભ્યો બહાર દોડી આવ્યા હતા. આ બનાવમાં એક વૃદ્ધને ઇજા પહોંચી હતી. એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં રહીશોમાં દોડધામ મચી ગઇ હતી.
આ પણ વાંચો
?અમદાવાદના ખોખરા કાશીવિશ્વનાથ મહાદેવથી ચર્ચ તરફ જવાના માર્ગ પર હેબોર્ન એપાટમેન્ટના ત્રીજા માળે મકાનમાં આગ લાગી
— DD News Gujarati (@DDNewsGujarati) December 5, 2023
?ગેસનો બોટલો ચાલુ કરીને પાણી ગરમ કરવા જતા લાગી હતી આગ
?ગેસનો બોટલ ફાટતા 62 વર્ષીય વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
?પરિવારના 3 વ્યકિતનો થયો બચાવ pic.twitter.com/dpxmPW7Ar0
એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણ જેટલી ફાયરની ગાડીઓ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવના પગલે ઘરમાં નુકસાન થયું હોવાના અહેવાલ છે. બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ખોખરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત ભાજપના સ્થાનિક કોર્પોરેટર કમલેશ પટેલ પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક ધોરણે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, તેમ છતાં આગનું સચોટ કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
