Ahmedabad News: વરસાદી મોસમ દરમિયાન શહેરમાં તાવ સહિતના વિવિધ રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 33,900થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવ્યા છે. તેમાં સિવિલ હોસ્પિટલમાં 20,000 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 13,972 દર્દીઓ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં જુલાઈના પ્રથમ 10 દિવસમાં વાયરલ ઈન્ફેક્શનના 53 કેસ નોંધાયા છે, જ્યારે જૂન મહિનામાં આવા 564 કેસ નોંધાયા હતા.
સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં કમળાના 66 કેસ નોંધાયા છે, જ્યારે ગયા મહિને કુલ 175 દર્દીઓને કમળાની સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, 10 દિવસમાં ઝાડા-ઉલટીના 71 કેસ, સાદા મલેરિયાના 6 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ અને ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે.
મહત્ત્વનું છે કે, એક સપ્તાહમાં લગભગ 20,000 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 186 શંકાસ્પદ કેસોમાંથી 18 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જ્યારે ગયા મહિને 400 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. મલેરિયાના 458 શંકાસ્પદ કેસોમાંથી 11 કેસ પોઝિટિવ આવ્યા છે. ચિકનગુનિયાના 4 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉપરાંત, ઝાડા-ઉલટીના 28 કેસ અને ટાઈફોઈડના 10 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના 18 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, પરંતુ એમાંથી કોઈપણ કેસ કન્ફર્મ થયો નથી.
