Ahmedabad News: અમદાવાદમાં 3.15 કરોડના ખર્ચે રેલવે લેવલ ક્રોસિંગ નં. 26 પર તૈયાર કરવામાં આવેલા મકરબા અંડરપાસનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. રેલવે વિભાગ હસ્તકના ભાગને બાદ કરીને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બન્ને તરફના એપ્રોચની કામગીરી પૂરી લીધી છે. આ અંડરપાસ ચાલુ થયા બાદ 60 હજારથી વધુ લોકોને રાહત મળશે.
એસજી હાઇવેથી મકરબાને જોડતા રસ્તા પર મકરબા તળાવ પાસે એક અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંડરપાસ માટે બનાવવામાં આવેલા આરસીસીસી બોક્સ સ્ટ્રક્ચરની બન્ને બાજુએ એપ્રોચની કામગીરી મનપા દ્વારા 29 એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી ચાલી રહી હોવાથી મકરબા વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મકરબામાં તૈયાર કરવામાં આવેલા આ અંડરપાસની વાત કરીએ તો આ અંડરપાસની લંબાઈ 134.46 મીટર અને એસજી હાઇવે તરફની સરેરાશ પહોળાઈ 19 મીટર છે. જ્યારે મકરબા તરફ 11.57 મીટર પહોળાઈ છે. આ ઉપરાંત એસજી હાઈવે તરફના કેરેજ વેની પહોળાઈ 7.50 મીટર અને મકરબા તરફના કેરેજ વેની પહોળાઈ 7.10 મીટર રાખવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
