Ahmedabad: રાજસ્થાનના સિરોહી જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માઉન્ટ આબુથી આબુ રોડ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ બેકાબુ બનીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમા સવાર 24થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મુસાફરોથી ભરેલી એક ખાનગી લક્ઝરી બસ માઉન્ટ આબુ હિલથી આબુ રોડ તરફ નીચે આવી રહી હતી. આ દરમિયાન વીરબાબા મંદિર નજીક જોખમી વળાંક આવતા બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બેકાબુ બનેલી બસ પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતના પગલે આબુની પહાડીઓ બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી ગુંજી ઉઠ્યા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં માઉન્ટ આબુ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે સ્થાનિકોની મદદથી બસમાં સવાર મુસાફરોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફત તમામ 24 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે આબુ રોડ ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ ઈજાગ્રસ્ત મુસાફરો અમદાવાદની કોઈ ખાનગી કંપનીના કર્મચારીઓ હતા. જેઓ માઉન્ટ આબુ ફરવા માટે આવ્યા હતા, જ્યાંથી પરત ફરતી વખતે તેમની બસને અકસ્માત નડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં હિલ રોડ પર જોખમી વળાંક પર બસની બ્રેક ફેઈલ થઈ જતાં તે બેકાબુ બનીને પલટી ગઈ હોવાનું અનુમાન છે. જો કે હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અકસ્માતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. બીજી તરફ ઈજાગ્રસ્ત મુસાફરોના અમદાવાદ રહેતા પરિવારના સભ્યો પણ અકસ્માતની જાણ થતાં તાત્કાલિક આબુ જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
