Ahmedabad: કુખ્યાત ધમા બારડને પોલીસે ઘૂંટણિયે લાવી દીધો, જે સ્થળે આતંક મચાવતો ત્યાં જ જાહેરમાં હાથ જોડી લોકોની માફી માંગી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Sep 2024 06:35 PM (IST)Updated: Tue, 10 Sep 2024 06:35 PM (IST)
ahmedabad-news-krushnanagar-police-teach-lession-to-dhama-barad

Ahmedabad: શહેરના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવનારા ધમા બારડને ગઈકાલે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત હોટલમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. જે બાદ આજે ઘટના સ્થળે રિકન્સ્ટક્શન માટે પોલીસ લઈને આવી ત્યારે ધમા બારડ હાથ જોડીને લોકોની માફી માંગતો જોવા મળ્યો હતો.

થોડા દિવસ અગાઉ ધમા બારડ અને તેના સાગરિતોએ ગાડીની ડીપર મારવા મુદ્દે શહેરના કુખ્તાત બુટલેગરના પુત્રનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. જેની જાણ થતાં બુટલેગર પણ પોતાના સાગરિતો સાથે ધમા બારડને શોધવા નીકળી પડ્યો હતો. આ દરમિયાન બુટલેગર અને તેના સાગરિતોએ મોડી રાતે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લીધો હતો.

ખુલ્લી તલવારો અને દંડા લઈને આવેલા લોકોએ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ મામલે પોલીસે બુટલેગરના 7 જેટલા સાગરિતોની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા ધમા બારડની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

જો કે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કેવડિયા કોલોની પાસે આવેલી હોટલમાં છુપાઈને બેઠેલા ધમા બારડને ગઈકાલે રાતે દબોચી લીધો હતો. જે બાદ આજે સવારે કૃષ્ણનગર પોલીસે ધમા બારડને પોતાની સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતુ. આ દરમિયાન ધમા બારડ પોલીસ આગળ ઘૂંટણિયે પડ્યો હતો. આટલું જ નહીં, ધમા બારડ વ્યવસ્થિત ચાલી પણ નહતો શકતો અને લથડિયા ખાતો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં હાથ જોડીને પોતાના કૃત્ય બદલ લોકોની માફી માંગતો જોવા મળ્યો હતો.