માણેકચોક ફાયરિંગ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો, જામનગરમાં ચોરાયેલી પિસ્તોલ પરથી બે વર્ષે આરોપી એરફોર્સ અધિકારીનું પગેરું મળ્યું

અમદાવાદના માણેકચોકમાં બે વર્ષ પહેલા થયેલી રૂ. 1.51 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટમાં વપરાયેલી પિસ્તોલના આધારે દિલ્હીથી એક એરફોર્સ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, જેણે સટ્ટાના દેવાને કારણે લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Jun 2026 06:34 PM (IST)Updated: Fri, 26 Jun 2026 06:34 PM (IST)
ahmedabad-news-khadia-firing-with-loot-case-solve-after-2-years-air-force-officer-held
HIGHLIGHTS
  • ગ્રાહક બનીને આવેલા બુકાનીધારીએ દુકાનમાં ઘૂસીને શટર નીચે પાડી લૂંટને અંજામ આપ્યો હતો

Ahmedabad Firing With Loot: આજથી બે વર્ષ પૂર્વે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં વેપારીના પગમાં ગોળી મારીને રૂ.1.51 કરોડની દિલધડક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં વપરાયેલી પિસ્તોલના આધારે પોલીસે એરફોર્સ અધિકારીની દિલ્હીથી ધરપકડ કરી છે.


ગ્રાહક બનીને આવેલા બુકાનીધારીએ લૂંટને અંજામ આપ્યો હતો

ગત 16 જુલાઈ, 2024ના રોજ માણેકચોક વિસ્તારની પતાશા પોળમાં આવેલ હિંમતલાલ શંકરલાલ જ્વેલર્સના માલિક બપોરે પોણા 3 વાગ્યાના અરસામાં પોતાની દુકાનમાં હાજર હતા. આ સમયે માથા પર લાલ ટોપી અને મોંઢા પર બુકાની બાંધીને એક શખ્સ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવ્યો હતો. જેણે દાગીના અંગે પૂછપરછ કર્યા બાદ અચાનક ઉભો થઈ ગયો હતો અને દુકાનનું શટર નીચે પાડીને રિવોલ્વર બહાર કાઢી હતી.

આ સમયે દુકાનના માલિકે પ્રતિકાર કરતાં બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. વેપારીએ મચક ના આપતા બુકાનીધારી શખ્સે રિવોલ્વરમાંથી ગોળી મારતા તે વેપારીના જમણા પગમાં વાગી હતી. જે બાદ આરોપી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો.

ફાયરિંગ વીથ લૂંટની આ ઘટનામાં વેપારીએ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ CCTV ફૂટેજના આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી. જો કે આરોપી વારંવાર રિક્ષાઓ તેમજ કપડા બદલીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.


જામનગરમાં પિસ્તોલની ચોરીથી આરોપીનું પગેરું મળ્યું

ખાડિયા PI લંગારિયા દ્વારા જૂના વણઉકેલ્યા કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં ફાયરિંગ વીથ લૂંટની ઘટનામાં વપરાયેલી પિસ્તોલ જામનગરમાં એરફોર્સના નિવૃત અધિકારીના ઘરમાંથી ચોરી થયેલી હોવાની શંકા જતાં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. આખરે મૂળ હરિયાણાના અને હાલ દિલ્લીમાં એરફોર્સમાં ફરજ બજાવતા એર કમાન્ડિંગ ઑફિસર દિપક બુકેર (31)ની સંડોવણી હોવાનું ધ્યાને આવતા તેની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

સટ્ટામાં દેવું થઈ ગયું હોવાની લૂંટ ચલાવી હોવાનું કબૂલ્યુ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી દિપકને સટ્ટો રમવાની ટેવ હતી. સટ્ટામાં માથે દેવું થઈ જતાં પૈસાની જરૂરિયાત પુરી કરવા તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તે ઘટનાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં આવીને ખોટા આધારકાર્ડ અને મોબાઈલ નંબર દ્વારા હોટલમાં રોકાયો હતો. માણેકચોકમાં લૂંટની વારદાતને અંજામ આપ્યા બાદ તે હરિયાણા ભાગી ગયો હતો અને પોલીસની પકડથી બચવા માટે બીજા લોકોના ફોનનો ઉપયોગ કરતો હતો. હાલ તો પોલીસે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ કબજે કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.