Ahmedabad News: જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) તાજેતરમાં તેના સભ્યો માટે લક્ઝરી કારની સામૂહિક ખરીદીને કારણે ચર્ચામાં આવ્યું છે. સંસ્થાએ દેશભરમાં પોતાના સભ્યો માટે એકસાથે 186 લક્ઝરી કાર ખરીદી છે, જેની કુલ કિંમત આશરે 149.54 કરોડ રૂપિયા નોંધાઈ છે. આ મોટા પાયે થયેલી ખરીદીમાં JITOને 21.22 કરોડ રૂપિયાનું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળ્યું છે.
આ મેગા ડીલમાં ઓડી (Audi), બીએમડબલ્યુ (BMW) અને મર્સિડીઝ (Mercedes) જેવી ટોચની 15 બ્રાન્ડ્સની કારનો સમાવેશ થાય છે. આ ખરીદદારોમાં મોટાભાગના સભ્યો ગુજરાતના, ખાસ કરીને અમદાવાદ શહેરના હોવાનું જાણવા મળ્યું છે, જે આ પ્રદેશમાં લક્ઝરી વાહનોની માંગ અને સામૂહિક ખરીદી પ્રત્યેની રુચિને પ્રતિબિંબિત કરે છે.
વિવિધ મીડિયા અહેવાલ અનુસાર , JITO (Jain International Trade Organization) નો એક મુખ્ય પ્રોજેક્ટ 'કોમ્યુનિટી બાયિંગ' અને 'બલ્ક ડીલ' પર કેન્દ્રિત હતો. અમારું કાર્ય મોટી બ્રાન્ડ્સ પાસેથી વિશેષ લાભો મેળવીને તેને JITOના સભ્યો સુધી પહોંચાડવાનું હતું. તાજેતરમાં ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવી અનેક મોટી બ્રાન્ડ્સ સાથે જોડાણ કરીને અમારા સભ્યોને નોંધપાત્ર બલ્ક ડીલનો લાભ આપવામાં આવ્યો છે.
આ કોમ્યુનિટી બાયિંગ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય JITO સમુદાયના સભ્યોને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. હાલમાં, આ પ્રવૃત્તિને 'પોઈન્ટના ઉત્સવ' નામના 90 દિવસીય અભિયાન હેઠળ આગળ વધારવામાં આવી રહી છે, જેમાં 15થી વધુ રાષ્ટ્રીય બ્રાન્ડ્સ સહભાગી છે. આ પહેલ JITOના સભ્યોને આર્થિક લાભ પહોંચાડવાની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. JITO દ્વારા કરવામાં આવેલી આ 186 લક્ઝરી કારની ખરીદી તેની સભ્યોને આર્થિક રીતે લાભ આપવાની ક્ષમતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.