Ahmedabad: સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ અજાણ્યા યુવકોને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતી યુવતીઓ માટે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલા યુવકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને હોટલમાં બોલાવીને શારીરિક સબંધ બાંધીને તેનો વીડિયો ઉતાર્યો હતો. જો કે યુવતીના પરિવારજનોએ લગ્નનો ઈન્કાર કરતાં પ્રેમીએ અંગત પળોના ફોટા અને વીડિયો વાયરલ કરી દેતા નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નરોડાની સતલુજ હોટલમાં યુવતીની મરજીથી શારીરિક સબંધ બાંધીને ન્યૂડ વીડિયો બનાવ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશની વતની 19 વર્ષીય યુવતી શહેરના કૃષ્ણનગરમાં તેના ભાઈઓ અને માતા સાથે રહે છે. ગત જાન્યુઆરી મહિનામાં તેના જ હમવતની સુમિત તિવારી નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે સ્વીકારતા યુવતી અને સુમિત વાતચીત કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
આજથી બે મહિના પહેલા સુમિત યુવતીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. અહીં તે નરોડા સ્થિત સતલુજ હોટલમાં રોકાયો હતો. આ દરમિયાન હોટલના રૂમમાં સુમિત અને યુવતી વચ્ચે મરજીથી શારીરિક સબંધ બંધાયા હતા. આ દરમિયાન સુમિતે પોતાના ફોનમાં શારીરિક સબંધનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. આ સાથે જ યુવતીને માથામાં સિંદૂર ભરીને લગ્ન કર્યા હોય તેવા ફોટા પણ પાડ્યા હતા.
અમદાવાદમાં 7 દિવસ રોકાયા બાદ સુમિત દિલ્હી પરત ફર્યો હતો અને યુવતીના પરિવારના સભ્યોને બન્નેએ લગ્ન કરી લીધા હોય તેવી તસવીરો મોકલી દીધી હતી. જેથી યુવતીના પરિવારજનોએ યુવતીને સુમિત સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આથી ઉશ્કેરાયેલા સુમિતે યુવતીને બદનામ કરવા માટે અલગ-અલગ આઈડી પરથી બન્નેના અંગત પળોના ફોટા અને વીડિયો ફોન નંબર સાથે વાયરલ કરી દીધા હતા.જેના કારણે યુવતી પર ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. આખરે કંટાળેલી યુવતીએ નરોડા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
