Ahmedabad: મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ બની ચૂકેલા ટ્રિપલ તલાકની પ્રથાને ભલે કાયદેસર રીતે નાબૂદ કરી દેવામાં આવી હોય, પરંતુ આજે પણ કેટલાક રૂઢીચુસ્ત લોકો આ પ્રથાને અનુસરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા ધરાવતા પતિએ ત્રણ વખત તલાક બોલીને તેને ઘરમાંથી કાઢી મૂકી છે.
અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાના નિકાહ આજથી 10 વર્ષ અગાઉ આજ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. જેનાથી તેને સંતાનમાં 4 વર્ષની બાળકી પણ છે.
છેલ્લા એક વર્ષથી પરિણીતા અને તેના પતિ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ગત ફેબ્રુઆરીમાં પરિણીતાના પિતરાઈના લગ્ન હોવાથી તે તૈયાર થઈ રહી હતી. આ સમયે પતિ આવી પહોંચ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, 'તું આટલીં તૈયાર થઈને ક્યાં જાય છે, તારે પરપુરુષ સાથે સબંધ છે.' આટલું બોલીને પતિ ત્રણ વખત તલાક..તલાક..તલાક બોલી દીકરી સાથે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.
હાલ મહિલા દીકરી સાથે પોતાના પિયરમાં રહે છે. થોડા દિવસ અગાઉ પતિએ વકીલ મારફતે તલાકનામું મોકલતા પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે બે દિવસ પહેલા પરિણીતા પોતાના પતિના ઘરે ગઈ હતી, જ્યાં સાસરિયાઓએ 'તારે અહીં આવવું નહીં, તને તલાક આપી દીધા છે' કહી કાઢી મૂકી હતી. આમ પવિત્ર રમઝાન મહિનામાં જ પતિએ પત્નીને ત્રિપલ તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ આસ્ટોડિયા પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
