Ahmedabad: ગત 23 નવેમ્બરના રોજ શહેરના SG હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં સાયકલિસ્ટને ઠોકરે ચડાવ્યા બાદ અજાણ્યો કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જેને અમદાવાદ પોલીસે કારના નંબરના આધારે ઝડપી પાડ્યો છે. આ સાથે જ કાર પણ કબજે કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ડૉ. અનિશ તિવારી પેડલર્સ નામના સાઈકલિસ્ટ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ગત 23 નવેમ્બર શનિવારના રોજ તેમના ગ્રુપના સભ્યો SG હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે સોલા બ્રિજ પર પાછળથી માંતેલા સાંઢની માફક ધસી આવેલી SUV કારે ડો. અનિશ તિવારી તેમજ ક્રિષ્ના શુક્લાની સાયકલને અડફેટમાં લીધી હતી.
જેથી બન્ને જણા નીચે પટકાતા તેમને ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે એસ.જી. હાઈવે ઝોન-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ કેવી રીતે આરોપી સુધી પહોંચી?
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ ચકાસીને કારનો રજીસ્ટ્રેશન નંબર મેળવી લીધો હતો. જેના આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ પરમ વોરા (રહે. છારોડી) તરીકે થઈ છે. જે સમયે અકસ્માત સર્જ્યો તેની પહેલા જ પરમે વસ્ત્રાપુર સ્થિત એક ફ્લેટમાં મિત્રો સાથે દારૂની મહેફિલ માણી હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ તેણે પોતાની કાર રિપેરિંગમાં આપી હતી. જ્યાં તેણે ઉદયપુર બહેનના પરિવારમાં લગ્ન માટે જવાનું હોવાનું જણાવ્યું હતુ. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
