2030 Commonwealth Games: ભારતે લંડનમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સની ઈવેલ્યુએશન કમિટી સમક્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા માટે પોતાનો સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના ખેલકૂદ મંત્રી હર્ષ સંઘવી, કોમન વેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ ડો. પી.ટી ઉષાએ કર્યું હતું. જેમની સાથે રમત-ગમત વિભાગના સચિવ હરિ રંજન રાવ, યુવા બાબતોના રમત મંત્રાલયના મુખ્ય સચિવ અશ્વિની કુમાર ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંધાનિથી પાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના ખેલકૂદ મંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળની ટીમે લંડનમાં રૂબરૂ પહોંચી ઈવેલ્યુએશન કમિટી સમક્ષ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે કેવી રોબસ્ટ ટ્રાન્સ્પોર્ટેશન સિસ્ટમ સહિતની માળખાકીય સુવિધાઓ છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું. 2030ની કોમનવેલ્થ ગેમ્સનું એ રીતે અત્યંત મહત્ત્વ મનાય છે કે, તે ગેમ્સ શરૂ થયાના 100મા વર્ષે યોજાઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સના સર્વસ્વીકૃત સિદ્ધાંતોને અનુરૂપ આ પ્રસ્તાવમાં એફોર્ડેબિલીટી, સર્વસમાવેશીતા, સરળતા અને સસ્ટેનેબિલીટીના પાસાં પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ સાથે જ પેરા-સ્પોર્ટ્સ, માનવઅધિકારોનું જતન, જેન્ડર ઈક્વાલિટીને પ્રોત્સાહન સહિતના મૂલ્યોની જાળવણીની પણ ખાસ વાત કરવામાં આવી છે. અમદાવાદમાં અગાઉ ICC ક્રિકેટ વર્લ્ડ કપ, ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની ટુર્નામેન્ટ, 2022ની નેશનલ ગેમ્સ યોજાઈ ચૂકી છે.
આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદમાં એશિયન એક્વેટિક્સ 2025, એશિયન વેઈટલિફ્ટીંગ ચેમ્પિયનશીપ 2026, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 અને અન્ય મલ્ટી અને સિંગલ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ યોજાવાની છે.
આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી આવૃત્તિના યજમાન બનવાનું અમદાવાદને સૌભાગ્ય મળે એ એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાશે. આ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે એક ગર્વની ક્ષણ હશે.
