Harikesh Patel Passport Case: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પાસપોર્ટ ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી હરીકેશ પ્રણવ કુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના કેસમાં અસલી પાસપોર્ટ જપ્ત હોવા છતાં, આરોપીએ દિલ્હીના એજન્ટને રૂ 25 લાખ આપી, ખોટા દસ્તાવેજો ઊભા કરી ગાઝિયાબાદથી નવો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ નકલી પાસપોર્ટના આધારે તેણે વિદેશ યાત્રાઓ પણ કરી હતી. અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાઓમાં તેની અગાઉ ધરપકડ થઇ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ખોટા પૂરાવા આપી નકલી પાસપોર્ટ બનાવ્યો
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, હરીકેશ પટેલે દિલ્હીના આ એજન્ટને નવો પાસપોર્ટ તૈયાર કરવા માટે રૂ. 25 લાખ ચૂકવ્યા હતા. કાવતરાના ભાગરૂપે તેણે સૌપ્રથમ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી અરજી આપીને પોલીસ રિપોર્ટ મેળવ્યો હતો. ત્યારબાદ, પોતે ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતો હોવાનો ખોટો રેન્ટલ એગ્રીમેન્ટ (ભાડા કરાર) અને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ ખોટા સરનામા અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે તેણે વર્ષ 2024 માં ગાઝિયાબાદ રિજનલ પાસપોર્ટ ઓફિસમાંથી બીજો નવો પાસપોર્ટ કઢાવી લીધો હતો.
એટીએસની ટીમે સાયન્સ સિટી ખાતેથી ઝડપી લીધો હતો
ગુજરાત એટીએસના એસ.પી. કે. સિદ્ધાર્થે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, એટીએસ દ્વારા પાસપોર્ટ એક્ટ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેસ્મીન રોઝિયાને એક ખાનગી અને ચોક્કસ બાતમી મળી હતી કે, ઈડીના પટિયાલા કોર્ટના કેસમાં હરીકેશ પટેલનો મૂળ પાસપોર્ટ જપ્ત હોવા છતાં તેણે ખોટા દસ્તાવેજોના આધારે ગાઝિયાબાદથી નવો પાસપોર્ટ મેળવ્યો છે.
આ માહિતી સીનિયર ડીઆઈજી ઓફિસર સાથે શેર કર્યા બાદ, ડીવાયએસપી શંકર ચૌધરીના નેતૃત્વ હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં પીઆઈ બી. એચ. કોરાટ, પીઆઈ બી. એમ. પટેલ, વાયરલેસ પીએસઆઈ હેમંત નિનામા, વાયરલેસ પીએસઆઈ નિકુંજ જોશી અને ટેકનિકલ ટીમને ઇનપુટ્સ ચકાસવા માટે કામે લગાડવામાં આવી હતી. તપાસમાં આ વિગતો સાચી સાબિત થતાં ગત શનિવારે એટીએસની ટીમે તેને સાયન્સ સિટી ખાતેથી ઝડપી લીધો હતો.
આરોપી હરીકેશ પટેલની પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તેનું અમદાવાદના શાહીબાગ અને સાયન્સ સિટી 16 માં મકાન આવેલું છે. તેના નામે અનેક ફેક્ટરીઓ અને કંપનીઓ રજિસ્ટર્ડ થયેલી છે. આ કંપનીઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમાંથી મોટાભાગની કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. આ બોગસ કંપનીઓનો ઉપયોગ ગેરકાયદેસર રીતે મની ટ્રાન્સિટ, મ્યુલ એકાઉન્ટ્સ ઓપરેટ કરવા અને મની લોન્ડરિંગ માટે કરવામાં આવતો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
અગાઉ પણ છેતરપિંડીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે
પકડાયેલો આરોપી હરીકેશ પટેલ આર્થિક ફ્રોડ આચરવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાની ટેવ ધરાવતો રીઢો ગુનેગાર (હેબિચ્યુઅલ ઓફિન્ડર) છે. તેનો ગુનાહિત ઇતિહાસ જોતા, વર્ષ 2022 માં તેની વિરુદ્ધ અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 406 અને 420 હેઠળ વિશ્વાસઘાત અને ચીટિંગનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2023 માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ તેની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. આ કેસમાં કાવતરામાં સામેલ દિલ્હીના એજન્ટ અને તેને બોગસ પાસપોર્ટ બનાવવામાં મદદ કરનારા તમામ અન્ય સાગરિતોને પકડવા માટે ગુજરાત એટીએસ દ્વારા સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
