Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી એક કેસની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ જજ સમક્ષ બીયર પીતા જોવા મળ્યા હતા. જેના પગલે જજ લાલઘૂમ થઈ ગયા હતા.
હકીકતમાં ગત 26 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપર ભટ્ટ એક કેસની વર્ચ્યુઅલ સુનાવણી કરી રહ્યા હતા. આ સમયે જ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ જજ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમના એક હાથમાં બીયરનો મગ પકડેલો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ એ.એસ. સુપાહિયા અને જસ્ટિસ આર.ટી. વચછાનીએ વકીલની આ હરકતને કોર્ટની અવમાનના માની છે. તેમણે આ મામલે સુઓ મોટો એક્શન લેતા આગામી આદેશ સુધી વકીલની હાજરી પર રોક લગાવી દીધી છે.
હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, આગામી આદેશ જારી થવા સુધી સબંધિત વકીલ વર્ચ્યુઅલ માધ્યમથી પીઠ સમક્ષ હાજર નહીં રહી શકે. તેમના આવા કૃત્યથી કોર્ટની અવમાનનાને ઠેસ પહોંચી છે. આવી સ્થિતિમાં તેને નજરઅંદાજ ના કરી શકાય.
હાઈકોર્ટના જજનું કહેવું છે કે, બાર કાઉન્સિલના અન્ય વકીલ પણ વરિષ્ઠ વકીલોને ફૉલો કરતા હોય છે. તેઓ તેમને જ પોતાના આદર્શ માને છે. એવામાં જો તેમના વિરુદ્ધ કાર્યવાહી ના કરવામાં આવે, તો ખોટો દાખલો બેસશે. ભવિષ્યમાં અન્ય વકીલો પણ આવું પગલું ભરી શકે છે.
હાઈકોર્ટે રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે કે, વકીલ વિરુદ્ધ અવમાનનાની અરજી દાખલ કરવામાં આવે. આ સાથે જ આગામી આદેશ આવે નહીં, ત્યાં સુધી સબંધિત વકીલ પીઠ સમક્ષ વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર ના થાય.
