અમદાવાદની હોટલમાં વિદેશી મહિલાના રૂમમાં ઘૂસી વીડિયો ઉતારી મેનેજર પાસે 5 લાખ માગ્યા, ચાર સામે નોંધાઇ ફરિયાદ

હોટલ તરફથી નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર ગત 29 ઓક્ટબરના રોજ ફિલિપાઇન્સની એક મહિલા હોટલમાં આવી હતી. ત્યારબાદ શુભ શાહ નામનો વ્યક્તિ આવ્યો હતો. તેને વીડિયો ચાલુ રાખ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 01 Nov 2026 05:40 PM (IST)Updated: Sun, 01 Nov 2026 05:40 PM (IST)
ahmedabad-news-four-booked-over-alleged-5-lakh-extortion-attempt-at-hotel

Ahmedabad News: અમદાવાદની જાણીતી હોટલમાં બે શખ્સો ઘૂસ્યા હતા અને વિદેશી મહિલાના રૂમમાં ઘૂસી વીડિયો બનાવી મેનેજર પાસે રૂપિયા માગ્યા હતા. હોટલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું કહી ધમકી આપી સેટલમેન્ટના નામે 5 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. મેનેજરે આપવાની ના પાડી દેતા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલા ક્રાઇમ પોલીસમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. બનાવ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હોટલ તરફથી નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર ગત 29 ઓક્ટબરના રોજ ફિલિપાઇન્સની એક મહિલા હોટલમાં આવી હતી. ત્યારબાદ શુભ શાહ નામનો વ્યક્તિ આવ્યો હતો. તેને વીડિયો ચાલુ રાખ્યો હતો. મહિલા રૂમમાં ગઇ તેની પાછળ પાછળ એ પણ રૂમમાં ગયો અને મહિલાની મંજૂરી વગર વીડિયો બનાવ્યો હતો. બાદ તેણે હોટલમાં ગ્રાહક બોલાવી વિદેશિ મહિલાઓ દ્વારા દેહ વ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હોવાનું કહ્યું હતું. બાદમાં તે વિઝિંટિગ કાર્ડ આપીને જતો રહ્યો હતો.

તેણે આપણે વિઝિટિંગ કાર્ડમાં સંકેત પ્રજાપતિ નામ લખેલું હતું. તેણે હોટલના સ્ટાફને એક ઇન્સ્ટાગ્રામ લીંક મોકલી હતી. જેમાં એક વીડિયો હતો તેને ડિલીટ કરવા માટે હોટલ દ્વારા કહેવામાં આવતા તેણે મળવાનું કહ્યું હતું. 30 ઓક્ટોબરે શુભ શાહ, સંકેત પ્રજાપતિ અને અન્ય બે શખ્સો હોટલના મેનેજરને મળવા માટે આવ્યા હતા. મેનેજર સાથે વાતચીત કરી હતી અને વીડિયો બતાવી હોટલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું કહ્યું હતું. તેમજ વીડિયો વાયરલ કરવાની અને મીડિયામાં આપી દેવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત સેટલમેન્ટના નામે 5 લાખ રૂપિયા માગ્યા હતા. હોટલના મેનેજર દ્વારા પાંચ લાખ રૂપિયા આપવાની ના પાડી દેવામાં આવી હતી અને પોલીસ બોલવવાની વાત કરતા ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. તેમજ ફિલિપાઇન્સની મહિલા દેહ વ્યાપાર કરતી હોવાનું લખાણ લખેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વીડિયો અપલોડ થયો હોવાનું ધ્યાને આવતા હોટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા શુભ શાહ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચારે શખ્સોની શોધખોળ કરાઇ રહી છે.