Ahmedabad: લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ નેતાઓની 'કમલમ' ભણી દોટ, હવે બે પૂર્વ ધારાસભ્યોના 'કેસરિયા'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 29 Jan 2024 04:27 PM (IST)Updated: Mon, 29 Jan 2024 04:27 PM (IST)
ahmedabad-news-former-congress-mla-join-bjp-ahead-of-loksabha-election

Ahmedabad: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ જામી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને ગત વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી કોંગ્રેસની હાલત દિનપ્રતિદિન વધારે કફોડી બનતી જઈ રહી છે. એવામાં આજે વધુ બે પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા છે.

જેમાં જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઉપરાંત બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ નેતાઓનું કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતુ.

naidunia_image

આજે કેસરિયો ધારણ કરનારા બાલકૃષ્ણ પટેલ પહેલા ભાજપમાં જ હતા. જો કે 2022માં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ડભોઈ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત ચિરાગ કાલરિયા પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર બેઠક પર કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી જીતી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ વલસાડ તાલુકા પંચાયતની અટગામ, પારડી તાલુકા પંચાયતની ઉમરસાડી બેઠકના કોંગ્રેસ સભ્ય ઉપરાંત SC મોરચાના કાર્યકારી પ્રમુખ, કપરાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખોએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે સંબોધન કરતાં જણાવ્યું કે, આજે ગુજરાત આખા દેશને મોડલ તરીકે પ્રસ્થાપિત કરીને માર્ગદર્શન આપી રહ્યું છે. તેમાં ગુજરાતનો કોઇ પણ વ્યકિત હોઇ શકે. આજે દેશને ગુજરાત માર્ગદર્શન આપી શકે તેવું વાતાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે. આજે વિદેશમાં રહેતા લોકો ભારતમાં આવે છે, ત્યારે ગુજરાતના વિકાસથી અંજાઇ જાય છે.

naidunia_image

વિકસીત દેશને તેમના ઇન્ફાસ્ટ્રકચર વિકાસાવતા વર્ષો લાગ્યા છે પણ આપણે પાછલા 10 વર્ષનો જે વિકાસ જોયો છે, તે અદભૂત છે. દેશને 10 વર્ષના નાના સમયમાં વિદેશના દેશો સાથે સ્પર્ઘામાં લાવી શકવો તે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે અન્ય રાજકીય પાર્ટીઓ મત મેળવવા માટે વચનો આપે છે, પરંતુ PM મોદીએ ચૂંટણીમાં આપેલા દરેક વચનો પુર્ણ કર્યા છે. આજદિન સુધી ભાજપ સિવાય દુનિયામાં કોઇ એવી પાર્ટી નથી કે પાર્ટીએ આપેલા વચનો પુર્ણ કર્યા હોય. પાર્ટીએ આપેલા વચનો પુર્ણ થયા છે એટલે જ આજે આખો દેશ મોદીની ગેરંટી પર વિશ્વાસ રાખે છે.

રામ મંદિરના નિર્માણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક તાંતણે બાંધ્યો છે. વડાપ્રધાન મોદીએ રામ ભગવાન માટે રાજાને શોભે તેવું ભવ્ય મંદિર બનાવ્યું છે. પહેલા આપ સૌ જુદી જુદી પાર્ટીના કાર્યકર હતા અને તમે જોયુ છે કે, ગુજરાત અને દેશ માટે જો કોઇ સેવાકીય કાર્ય કરવું હોય તો તે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જોડાઇ જવાથી જ પૂર્ણ કરી શકાશે એટલે આપ સૌ જોડાયા છો, આપ સૌનું હ્રદયથી સ્વાગત છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.